માવઠાના નુકસાનના વળતર માટે 11.2 લાખ ખેડૂતોની અરજી
ગુજરાત સરકારે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યના 11.2 લાખથી વધુ ખેડૂતોએ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પડેલા અસામાન્ય વરસાદને કારણે થયેલા પાકના નુકસાન માટે વળતર સહાય મેળવવા માટે અરજી કરી છે. નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં અસામાન્ય વરસાદ માટે જાહેર કરાયેલા ₹10,000 કરોડના વળતર પેકેજ હેઠળ 10 લાખથી વધુ ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે.
સપ્ટેમ્બરમાં પડેલા કમોસમી વરસાદ માટે જાહેર કરાયેલા ₹1,138 કરોડના વળતર પેકેજ હેઠળ 1.2 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી. રાજ્ય સરકારે આ બંને રાહત પેકેજમાં સિંચાઈવાળા અને બિન-સિંચાઈવાળા બંને પાકો માટે પ્રતિ હેક્ટર ₹22,000ની એકસમાન સહાય આપવાનો નિર્ણય કર્યો છે, જેની મર્યાદા બે હેક્ટર સુધીની રાખવામાં આવી છે. આ સહાય ઉપરાંત, વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે પ્રતિ હેક્ટર ₹20,000ની વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી હતી.
અન્ય એક જાહેરાતમાં, સંઘવીએ જણાવ્યું હતું કે હાલમાં ટેકાના ભાવે ચાલી રહેલી કૃષિ પેદાશોની ખરીદી અંતર્ગત અત્યાર સુધીમાં 70,000થી વધુ ખેડૂતોએ ₹1,177 કરોડથી વધુ મૂલ્યના 1.6 લાખ મેટ્રિક ટન મગફળીનું વેચાણ કર્યું છે અને ખેડૂતોના ખાતામાં મગફળીની ખરીદીની ચૂકવણી જમા કરવાની પ્રક્રિયા શરૂૂ થઈ ગઈ છે. દરમિયાન, કેબિનેટે તાજેતરમાં થયેલા રવી પાકના વાવેતરને ધ્યાનમાં રાખીને કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને આઠ કલાકના બદલે દિવસના 10 કલાક વીજળી પૂરી પાડવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.