દિવાળીના તહેવારોમાં સિવિલ હોસ્પિટલમાં 10712 દર્દીને સારવાર, 627 ઓપરેશન કરાયા
સામાન્ય તાવથી લઇ જટિલ બીમારીના ઈલાજ માટે સિવિલમાં દર્દીઓનો ભારે ધસારો
તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડિયાના નિરીક્ષણ હેઠળ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સતત ખડેપગે રહ્યો
દિવાળીના તહેવારમાં સિવિલ હોસ્પિટલનું તંત્ર ખડેપગે રહ્યું હતું. રાજકોટનાં લોકો સામાન્ય તાવથી લઈ ગંભીર અકસ્માત અને અન્ય જટિલ બીમારીઓની સિવિલ સારવાર કરવામાં આવી હતી. જેમાં 8815 ઓપીડી, 1897 દર્દીને ઈન્ડોર સારવાર તેમજ 189 મેજર સર્જરી(ઓપરેશન) અને 438 સામાન્ય સર્જરી (નાના ઓપરેશન) કરવામાં આવ્યા હતા.
દિવાળીના તહેવારને લઈને આખા શહેરમાં રજાનો માહોલ હોય અને ખાનગી હોસ્પિટલો પણ બંધ હોય ત્યારે દિવાળીના તહેવારો ઉપર સિવિલ હોસ્પિટલ તંત્ર ખડેપગે ફરજ બજાવી હતી.
તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડીયાના નિરીક્ષણ હેઠળ આર.એમ.ઓ ડો.દુસરા અને તેમની ટીમે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સર્વિસ સાથે વધારાના સ્ટાફ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારોની રજામાં ઓપીડી સહિતની સારવાર ચાલુ રાખવામાં આવી હતી. તેમજ તજજ્ઞ તબીબોની ટીમ સાથે 100 બેડની વધારાની સુવિધા તેમજ તેને લગતી દવાઓ તેમજ ડ્રેસિંગના સામાનનો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી લેવામાં આવ્યો હતો.
‘ગુજરાત મિરર’ સાથેની વાતચીતમાં તબીબી અધિક્ષક ડો.મોનાલીબેન માંકડિયાના જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં સામાન્ય દિવસો કરતા વધુ દર્દીઓ આવે છે. દિવાળીના તહેવારોમાં પાંચ દિવસ સુધી ખાનગી હોસ્પિટલ બંધ રહેતી હોય જેથી ઇન્ડોર દર્દીઓની સંખ્યા વધુ હોય જેથી દરેક વોર્ડના વડા અને તબીબોને ફરજ ઉપર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. દિવાળીના તહેવારો ઉપર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 8815 ઓપીડી કેસ નોંધાયા હતા તેમજ 1897 દર્દીને ઈન્ડોર સારવાર આપવામાં આવી હતી ઉપરાંત રજાના દિવસોમાં પણ સિવિલ હોસ્પિટલના તબીબ સહિતના સ્ટાફે 189 મેજર સર્જરી(ઓપરેશન) અને 438 સામાન્ય સર્જરી (નાના ઓપરેશન) કર્યા હતા.
દિવાળી ઉપર સામાન્ય દિવસો કરતા વધારાનો 20 ટકા સ્ટાફ પણ રિઝર્વ રાખવામાં આવ્યો હતો જેથી દર્દોને સમયસર સારવાર મળી શકે સાથે દવાઓનો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવાળી,બેસતા વર્ષ અને ભાઈબીજ ઉપર ઈમર્જન્સીમાં તબીબોની ટીમે ખડેપગે રહી સેવા આપી હતી.