105 કોમર્સિયલ-રહેણાક કોમ્પ્લેક્સ ધારકોને જામ્યુકોની નોટિસ
પાર્કિંગમાં ગંદા પાણી ભરાયેલાં હોવા એ સજાપાત્ર ફોજદારી ગુનો: મચ્છરોની ઉત્પત્તિના કારણે રોગચાળોનો ખતરો, સ્વચ્છતા જાળવવા કોર્પોરેશનનો ટાઉન પ્લાનિંગ વિભાગ એક્શનમાં
જામનગર શહેરને ઘણાં લોકો તીખાં કટાક્ષમાં મચ્છરનગર પણ કહે છે. શહેરમાં હાલ એક તરફ ચોમાસું ચાલી રહ્યું છે, બીજી તરફ રોગચાળો ચાલી રહ્યો છે. આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે શહેરમાં એવા ઘણાં કોમર્શિયલ અને રહેણાંક કોમ્પ્લેક્ષ છે, જેના સેલર અથવા પાર્કિંગનો ઉપયોગ પાર્કિંગ તરીકે થતો નથી, આવી જગ્યાઓમાં કાં તો ગંદા વરસાદી પાણી ભરેલાં છે, કાં તો દબાણો છે, કાં તો પાર્કિંગની જગ્યાઓમાં ભંગાર સ્ટોર કરેલો હોય, આ બધી બાબતો લાખો મચ્છરોની ઉત્પતિ કરી શકે છે, આથી કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગે આવા કોમ્પ્લેક્ષના ધારકો અથવા કર્તાહર્તાઓને નોટિસો ફટકારવાનું શરૂૂ કર્યું છે.
ટાઉન પ્લાનિંગ વિભાગે શહેરમાં દરેક વોર્ડમાં સર્વે કર્યો છે. મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ પર પણ સર્વે કર્યો છે અને આ સર્વેના આધારે આવા કુલ 105 કોમ્પ્લેક્ષના ધારકોને નોટિસ ફટકારી છે. આ નોટિસ આઈપીસીની કલમ-188 હેઠળ સજાને પાત્ર ગુના તરીકે આપી છે. રોગચાળા અધિનિયમ-1897 હેઠળ આ નોટિસ આપવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં મુખ્ય રસ્તાઓ પર, બજારોમાં અને રહેણાંક વિસ્તારોમાં એવા ઘણાં કોમર્શિયલ અને રહેણાંક કોમ્પ્લેક્ષ છે, જેના સેલરમાં વરસાદી પાણી ભરેલાં છે અથવા ત્યાં પાણી સાથે ગંદકી પણ છે. ઘણાં કોમ્પ્લેક્ષના સેલરમાં પસ્તી, નકામા પૂંઠા, સડેલો ભંગાર, જૂના કે બંધ વાહનો, કેટલીક દુકાનોનો ભંગાર વગેરે ચીજો ખડકાયેલી પડી છે. આ બધી ચીજો શહેરમાં મચ્છરો ઉત્પન્ન કરે છે, અન્ય જીવજંતુઓ ઉત્પન્ન કરે છે, શહેરના વાતાવરણને દૂષિત કરે છે, હાલ શહેરમાં રોગચાળો પણ ફેલાયેલો છે. કોલેરા, ચાંદીપુરા, ડેન્ગ્યુ, મેલેરિયા, અન્ય પ્રકારના તાવ તથા ઝાડા ઉલટી વગેરેના કેસો મળી રહ્યા છે, હોસ્પિટલો અને ખાનગી ક્લિનિકો તથા કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રો જાતજાતના રોગોના દર્દીઓથી ઉભરાય રહ્યા છે.
ટાઉન પ્લાનિંગ વિભાગ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં વાહનોનું કોઈ કારણસર પાર્કિંગ ન થતું હોય તો પણ આ કલમો અંતર્ગત નોટિસ આપી શકે છે, આપે પણ છે. પાર્કિંગમાં યોગ્ય પ્રમાણમાં વેન્ટિલેશન (હવાઉજાસ) ન હોય તો પણ નોટિસ આપી શકાય, પાર્કિંગમાં યોગ્ય પ્રમાણમાં પ્રકાશ ન હોય, પાર્કિંગમાં ચોકીદારની વ્યવસ્થા ન હોય, પાર્કિંગમાં યોગ્ય રીતે સફાઈ ન થતી હોય, પાર્કિંગની જગ્યામાં તાળું લગાવી દીધેલું હોય તો આ તાળું કોર્પોરેશન કાયમી ધોરણે ખોલાવી, આ જગ્યામાં કાયમી પાર્કિંગ થાય તે સુનિશ્ચિત કરાવી શકે છે અને જો કોઈ કોમ્પ્લેક્ષનું પાર્કિંગ રસ્તાના લેવલથી ઉંચુ કે નીચું હોય તો પણ કોર્પોરેશન આ પાર્કિંગ રોડ લેવલે કરાવી શકે છે. પાડતોડ કરી શકે છે. આ કલમો અંતર્ગત નોટિસ આપી શકે છે.
કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગને આ માટે ઘણી સતાઓ મળેલી છે. અને, આ બધી બાબતોનું પાલન કરાવવાની પણ આ વિભાગની જવાબદારીઓ છે. કોઈ પણ સેલરમાં વરસાદી કે અન્ય પાણી ભરાયેલું હોય, તે પાણીનો નિકાલ અન્ય કોઈને નડે નહીં તે રીતે કરવાની જવાબદારીઓ જેતે કોમ્પ્લેક્ષના ધારકો અથવા વપરાશકારોની છે. છેલ્લા 7 વર્ષથી આ માટેનું ગુજરાત સરકારનું નોટિફિકેશન અમલમાં છે. જેમાં આકરી સજાની જોગવાઈ પણ છે. ટાઉન પ્લાનિંગ વિભાગ આ નોટિસ આપે તે પછીના પાંચ જ દિવસની અંદર કોમ્પ્લેક્ષધારકોએ પોતાના કોમ્પ્લેક્ષના પાર્કિંગની જગ્યાઓ વ્યવસ્થિત કરવી ફરજિયાત હોય છે.