પનીરના 300માંથી 100 સેમ્પલ ફેલ
ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં હોટેલોમાં ચાલતો ભેળસેળનો ખેલ પકડાયો
ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી(FDCA) ગાંધીનગર દ્વારા થોડા સમય અગાઉ જ રાજ્યભરની 300થી વધુ હોટલોમાં પીરસવામાં આવતાં પનીરનો સેમ્પલ સર્વે કરવામાં આવ્યો હતો. આ સેમ્પલ સરવેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. જુદી જુદી હોટલોમાંથી લેવાયેલા 35 ટકાથી વધુ પનીરના સેમ્પલ ફેઈલ થયાં છે. જે નકલી પનીર અથવા ભેળસેળવાળું પનીર હોવાનું ફૂડ એન્ડ ડ્રગ ક્ધટ્રોલ ઓથોરિટીના સૂત્રો જણાવે છે.
ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં રાજ્યમાં જુદી જુદી જગ્યાએ નકલી-ભેળસેળવાળું પનીર પકડાયું છે.
ખાસ કરીને દિવાળીના તહેવારોમાં લોકો બહાર હોટલોમાં જમવા જતાં હોય છે. આથી જ અમે રાજ્યભરમાં અમદાવાદ સહિત રાજકોટ, સુરત, વડોદરા ઉપરાંત નાના શહેરોમાં આવેલી 300થી વધુ હોટલોમાં પનીરનો સેમ્પલ સર્વે કર્યો હતો. જેમાં અમારી જુદી જુદી ટીમો કામે લાગી હતી. તેઓ કહે છે કે, ચોંકાવનારી વાત એ છે કે, રાજ્યની 300 જેટલી હોટલોમાંથી મેળવાયેલા પનીરના સેમ્પલોનો અમે અત્યાધુનિક લેબ ટેકનિકથી ટેસ્ટ કર્યો છે.
જેના પરિણામમાં 35 ટકા જેટલા સેમ્પલ ફેઈલ થયા છે. એટલે કે, 300માંથી 100 જેટલી હોટલોમાં નકલી અથવા ભેળસેળવાળું પનીર લોકોને પીરસવામાં-ખવડાવવામાં આવતું હતું. જેના લીધે લોકો ગંભીર બીમારીનો ભોગ બની શકે છે. આ મુદ્દે વધુ તપાસ કરી અમે હોટલોને નકલી કે ભેળસેળવાળું પનીર સપ્લાય કરતાં છથી સાત ઉત્પાદકોને ત્યાં રેડ પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, બનાસકાંઠા, કચ્છ અને વલસાડ નો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે પનીર ને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. જેમાં સ્ટાન્ડર્ડ પનીર, જેમાં 50 ટકાથી વધુ મિલ્ક ફેટ હોય છે. જ્યારે મીડિયમ ફેટ પનીર જેમાં 20થી 50 ટકા જેટલું મિલ્ક ફેટ હોય છે જ્યારે લો ફેટ પનીર જેમાં 20 ટકા જેટલું મિલ્ક ફેટ હોય છે. આમાંથી સ્ટાન્ડર્ડ પનીર લોકોને ભોજન તરીકે પીરસી શકાય છે, પરંતુ નકલી કે ભેળસેળવાળું પનીર બનાવનાર 10થી 15 ટકા મિલ્ક ફેટવાળા પનીર ને સ્ટાન્ડર્ડ પનીર બનાવવા પામ ઓઇલ કે સોયા ઓઈલ અને એસીડીક એસિડ ભેળવાય છે, જે ખાવાથી લોકો જાત જાતના ગંભીર રોગનો ભોગ બને છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર કોશિયા ઉમેરે છે કે, FDCA દ્વારા કરાયેલાં પનીરના સેમ્પલ સર્વેમાં ફેઈલ થયેલાં 100થી વધુ સેમ્પલોમાં પામ ઓઇલ, સોયા બીન ઓઈલ, એસિડીકની ભેળસેળ કરવામાં આવે છે.