દિવાળી ઉપર સિવિલ હોસ્પિટલમાં તજજ્ઞ તબીબો સાથે 100 બેડની સુવિધા
દાઝી જવાના બનાવો વધુ બનતા હોય પ્લાસ્ટિક સર્જન અને બન્સ વોર્ડના વડાને રાઉન્ડ ધ કલોક તૈનાત રખાશે
4 મેડિકલ ઓફિસર સાથે દરેક વિભાગના વડાને જવાબદારી સોંપાઈ
દિવાળીના તહેવારને આડે બે દિવસ બાકી રહ્યા છે. તહેવારને લઈને આખા શહેરમાં રજાનો માહોલ જામ્યો છે. લોકો દિવાળીની ખરીદી કરી રહ્યા છે અને દિવાળીના દિવસથી તમામ વેપાર ધંધાઓમાં પણ રજાનો માહોલ હશે ત્યારે દિવાળીના તહેવારો ઉપર નાગરિકોની સુરક્ષા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર ખડેપગે ફરજ ઉપર તૈનાત રહેશે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સર્વિસ સાથે વધારાના સ્ટાફ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. દિવાળીના તહેવારો ઉપર જ્યારે બધા લોકો રજાઓ માણતા હશે ત્યારે ઇમરજન્સી સેવા દરરોજ કરતા વધુ ડ્યુટી નિભાવશે. દિવાળીમાં ફટાકડાથી દાઝી જવાના કેસ વધુ હોવાથી તેને લગતી દવાઓ તેમજ ડ્રેસિંગના સામાનનો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી લેવામાં આવ્યા છે અને સ્કીન કેર વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે. દિવાળીમાં ફટાકડાથી દાઝી જવાના કેસ વધુ હોવાથી પ્લાસ્ટિક સર્જન સહિતના તજજ્ઞ તબીબોની ટીમ સાથે 100 બેડની સુવિધા ઉભી કરાઈ છે તેમજ તેને લગતી દવાઓ તેમજ ડ્રેસિંગના સામાનનો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી લેવામાં આવ્યા છે.
તહેવારોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ચર્ચાઓ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દિવાળી તહેવાર ઉપર સામાન્ય દિવસો કરતા વધુ દર્દીઓ આવતા હોય જેને લઇ તબીબી અધિક્ષક ડો.મોનાલીબેન માંકડિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુજરાત મિરર સાથેની વાતચીતમાં તબીબી અધિક્ષક ડો.મોનાલીબેન માંકડિયાના જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં સામાન્ય દિવસો કરતા વધુ દર્દીઓ આવે છે. ત્યારે તા 22/10 ના રોજ બુધવારે ઓપીડી બંધ રહેશે જોકે ઈમરજન્સી સેવા 24 કલાક ચાલુ રહેશે દિવાળીના તહેવારોમાં પાંચ દિવસ સુધી ખાનગી હોસ્પિટલ બંધ રહેતી હોય જેથી ઇન્ડોર દર્દીઓ ની સંખ્યા વધુ હોય અને ખાસ કરીને દાઝી જવાના બનાવો વધુ બને છે જેથી બન્સ માટે 40 સહીત 100 વધારાના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. દિવાળીમાં બર્ન્સના કેસ વધુ આવતા હોવાથી સ્કિન વિભાગ પર સૌથી વધુ જવાબદારી આવશે તેમજ બન્સ વોર્ડના વડા સાથે પ્લાસ્ટિક સર્જન અને જનરલ સર્જન સાથે દરેક વોર્ડના વડા અને તબીબોને ફરજ ઉપર સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. જેથી દિવાળીના તહેવારો ઉપર તબીબો અને નર્સિંગ સ્ટાફની રજા રદ કરવામાં આવી સ્ટેન્ડ બાય રહેવા સુચના આપવામાં આવી છે. સામાન્ય દિવસો કરતા વધારાનો 20 ટકા સ્ટાફ પણ રિઝર્વ રાખવામાં સાથે દવાઓનો જથ્થો તૈયાર રાખવામાં આવશે.
નર્સિંગ સ્ટાફ, વોર્ડ ઈન્ચાર્જ સહિતના સ્ટાફને દર્દીઓની સેવા કરવા માટે ફરજ પર હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે, જેથી કોઈ પણ મુશ્કેલી સર્જાય તો સિવિલ હોસ્પિટલ તમામ રીતે તૈયાર છે. આ સાથે જ ઇમરજન્સી વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઇમરજન્સી વોર્ડમાં મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ સહિતનો સ્ટાફ 24*7 ડ્યુટી ભજવશે અને દર્દીઓની સેવા કરશે. દિવાળી દરમિયાન જો કોઈને હાથ, પગ કે, મોઢા પર ઈજા થાય તો ઓર્થોપેડિક તબીબ સાથે દાઝી જવાના બનાવો માં સ્કીન વિભાગમાં ડોક્ટર્સ અને પ્લાસ્ટીક સર્જન પણ હાજર રહેશે. દિવાળીનો તહેવાર આવતા જ રાજકોટની સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ છે.
અમુક દિવસે સ્ટાફને અડધો દિવસ રજા આપવામાં આવી છે પણ ઓપીડી વિભાગ અને ઇમરજન્સી વિભાગ તો 24 કલાક ચાલુ જ રહેશે. એટલે હોસ્પિટલનો સ્ટાફ દિવાળી પણ ઉજવશે અને દર્દીઓની સેવા પણ કરશે. સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં દરરોજ ઓપીડી અને ઈમર્જન્સી મળી કુલ 2000થી વધુ દર્દીઓ આવે છે. પરંતુ દિવાળીના દિવસો દરમિયાન સરકારી હોસ્પિટલમાં ઇન્ડોરમાં આવતા દર્દીઓની સંખ્યામાં 30 ટકા જેટલો વધારો થાય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવાળી,બેસતા વર્ષ અને ભાઈબીજ ઉપર ઈમર્જન્સીમાં વધારાના તબીબો ખડેપગે રહેશે. તહેવારોમાં ખાનગી હોસ્પિટલના તબીબો રજા પર જતા સિવિલમાં ઇન્ડોર દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો જોવા મળે છે. તેમજ દર વર્ષે દિવાળીના પર્વમાં દર્દીઓના ધસારાને ધ્યાનમાં રાખીને 100 એક્સ્ટ્રા બેડ રાખવામાં આવેલા છે. જેમાં PMSSY બિલ્ડિંગમાં 40 તો વોર્ડ નંબર 10માં એક્સ્ટ્રા 60 બેડનો વધારાનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ઇમર્જન્સીમાં 37 સહિત કુલ 1658 બેડ છે.
દિવાળીના તહેવાર ઉપર OPDનું સમય પત્રક
તા.20/10/2025 સોમવાર OPD અડધો દિવસ ચાલુ રહેશે
તા.21/10/2025 મંગળવાર OPD આખોદિવસ ચાલુ રહેશે.
તા.22/10/2025 બુધવાર OPD સંપૂર્ણ બંધ રહેશે.
તા.23/10/2025 ગુરુવાર OPD અડધો દિવસ ચાલુ રહેશે.
તા.24/10/2025 શુક્રવાર OPD આખો દીવસ ચાલુ રહેશે.
તા.25/10/2025 શનિવાર OPD આખો દિવસ ચાલુ રહેશે.