ડેન્ગ્યુથી 10 વર્ષની બાળાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ
રાજકોટ સહિત રાજયભરમાં રોગચાળાએ માઝા મુકી હોય તેમ દિનબદિન રોગચાળાના કારણે માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે અને ખાનગી હોસ્પિટલની બેદરકારીઓની ઘટનાઓ પણ છાશવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં વિજય પ્લોટમાં રહેતા પરિવારની 10 વર્ષની બાળકીનું ડેન્ગ્યુની બિમારી સબબ મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. 3 દિવસ સુધી દાખલ રાખી યોગ્ય સારવાર નહીં આપી બાળકીની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલના તબિબોએ હાથ ઉંચા કરી દેતા બાળકીનું મોત નિપજયુ હોવાનું પરિવારજનોએ સનસનીખેજ આક્ષેપ કર્યો છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરમાં વિજય પ્લોટમાં રહેતા પરિવારની નિરાલીબેન મોહિતભાઇ જરીયા નામની 10 વર્ષની બાળકીની 3 દિવસ પૂર્વે તબિયત લથડતા પરિવાર દ્વારા રાજનગર ચોકમાં આવેલી ભગત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જયા તબિબ દ્વારા બાળકોના રિપોર્ટ કરવામાં આવતા બાળકી ડેન્ગ્યુની બિમારીમાં સપડાઇ હોવાનું રિપોર્ટમાં ખુલ્યુ હતું. ગઇકાલે બાળકીની તબિયત લથડતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા બાળકીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ બાળકીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક નિરાલીબેન જરીયા બે બહેનોમાં મોટી હતી.
3 દિવસ પૂર્વે નિરાલીબેન જરીયાની તબિયત લથડતા પરિવાર દ્વારા ભગત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જયા બાળકીનો રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટીવ આવ્યો હતો પરંતુ ખાનગી હોસ્પિટલના તબિબો દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી અને બાળકીની તબિયત લથડતા તબિબોએ હાથ ઉંચા કરી દેતા પરિવાર જીવણ મરણ વચ્ચે ઝોલા ખાતા બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો પરંતુ જીવ બચ્યો ન હતો. ખાનગી હોસ્પિટલમાં યોગ્ય સારવાર નહીં મળતા ખાનગી હોસ્પિટલના તબિબોની બેદરકારીના કારણે બાળકીનું મોત નિપજયુ હોવાનું પરિવાર દ્વારા સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.