સુરેન્દ્રનગરના સિક્કા ગામે અકસ્માતે દાઝી ગયેલી 10 વર્ષની બાળાનું મૃત્યુ
કુંકાવાવના લુણીધારમાં વીજશોક લાગતા વૃધ્ધનું મોત
સુરેન્દ્રનગરના સિક્કા ગામે રહેતા પરિવારની 10 વષર્ર્ની બાળકી રમતા રમતા અકસ્માતે દાજી ગઈ હતી. ગંભીર રીતે દાજી ગયેલી બાળકીનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગરના સિક્કા ગામે રહેતાં પરિવારની આઈશાબેન રાહુલભાઈ ભાયા નામની 10 વર્ષની માસુમ બાળકી 10 દિવસ પૂર્વે પોતાના ઘરે રમતી હતી ત્યારે અકસ્માતે દાજી ગઈ હતી. ગંભીર રીતે દાજી ગયેલી બાળકીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. મૃતક બાળકી ત્રણ ભાઈ ચાર બહેનમાં મોટી હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં કુંકાવાવના લુણીધાર ગામે રહેતાં ભાયાભાઈ લખુભાઈ બગડા (ઉ.60) ત્રણ દિવસ પૂર્વે પોતાના ઘરે કડીયા કામ ચાલુ હતું ત્યારે પ્લગમાં પીન ભરાવવા જતાં વીજશોક લાગ્યો હતો. વૃધ્ધનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક વૃધ્ધને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.