10 વર્ષનું બાળક સીસોટી ગળી ગયો, અમદાવાદ સિવિલમાં સફળ ઓપરેશન
છેલ્લાં બે ત્રણ વર્ષ માં ઉત્તમ સારવાર ની સાથે સાથે અંગદાન, સ્કિન ડોનેશન અને અન્ય રાષ્ટ્રીય પ્રોગ્રામ માં સિવિલ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ઉદાહરણરૂૂપ કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂૂપ રાજ્ય તેમજ રાજ્ય બહારના હજારો દર્દી ઓ માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ આશીર્વાદ બની રહી છે. સિવિલ હોસ્પિટલ ખાતે એક કિસ્સામાં બાળકની શ્વાસનળીમાં ફસાયેલ પ્લાસ્ટિકની સીસોટીને દૂર કરી સાજા કરવામાં આવ્યો હતો.
વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી એ જણાવ્યુ હતુ કે અમદાવાદના રહેવાસી અને મજૂરી કરતા જગદીશભાઈ બોડાણાના 10 વર્ષના પુત્ર ક્રિષ્નાને રમતા રમતા આકસ્મિક રીતે રમકડાની પ્લાસ્ટીકની સીસોટી શ્વાસનળીમાં જતી રહેતા ઉધરસ શરુ થઈ હતી. પ્રથમ તેઓ દીકરાને લઇ એલજી હોસ્પિટલમાં ગયા જ્યાં તેનો એક્સ-રે તેમજ સીટી સ્કેન કરવામાં આવ્યો.
ત્યારબાદ શ્વાસ નળીમાં ફોરેનબોડી જણાતા તેને સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં રીફર કરવામાં આવ્યો હતો.
બાળકને સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં ડો. જયશ્રી રામજી પ્રોફેસર, પીડિયાટ્રિક સર્જરી વિભાગ તેમજ ડો. ચિરાગ પટેલ અને ડો. તૃપ્તિ શાહ એનેસ્થેસિયા વિભાગની આગેવાની હેઠળની ટીમ દ્વારા બ્રોન્કોસ્કોપી કરી ડાબી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી પ્લાસ્ટિકની સીસોટી સફળતાપુર્વક બહાર કાઢવામા આવી. ઓપરેશન પછી કોઇપણ બીજી તકલીફ ન રહેતા સ્વસ્થ જણાતા બાળક ને રજા આપવામાં આવી છે.