વાંકાનેરમાં છકડો રિક્ષા પરથી પડી જતાં 10 વર્ષના બાળકનું મોત
હળવદ તાલુકાના માણેકવાડા ગામના 10 વર્ષીય બાળકનું છકડો રિક્ષામાંથી પડી જવાથી કરુણ મોત નીપજ્યું છે. વિહાભાઈ વિંજવાડીયાનો પુત્ર ગોપાલ છકડો રિક્ષામાં વાંકાનેર જઈ રહ્યો હતો.
ગઈકાલે સવારે 10:10 વાગ્યા પહેલા વાંકાનેરના રાતીદેવડી રોડ પર આવેલી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. ગોપાલ છકડો રિક્ષા નંબર GJ-36-W-1223માં આગળના ભાગે પેટી પર બેઠો હતો. અચાનક તે રિક્ષામાંથી નીચે પડી ગયો અને તેના માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો. પરંતુ રસ્તામાં ખીજડીયા ગામના પાટિયા પાસે એમ્બ્યુલન્સમાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
વાંકાનેર સિટી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિકારી રમેશચંદ્ર રાયધનભાઈ મિયાત્રા આ કેસની તપાસ કરી રહ્યા છે.