અબડાસાના જખૌ નજીક દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ મળ્યા
પેકેટ પર ઉર્દુ ભાષામાં લખાણ હતું
સરહદી જિલ્લાના દરિયાકાંઠામાં સમયાંતરે ગર્ભિત રીતે મળી આવતા ચરસના પેકેટનો સિલસિલો જાણે ફરી ચાલુ થયો છે. લાંબા સમય બાદ અબડાસા તાલુકાના જખૌ વિસ્તારમાં દરિયાઈ વિસ્તારમાં આવેલા ટાપુ પાસેથી માદક પદાર્થ એવા ચરસનાં 10 પેકેટ (દશ કિલો) જખૌ મરીન પોલીસે ઝડપી પાડયા હતા. ફરી બિનવારસુ હાલતમાં ચરસ મળતાં આ મામલો ફરી ગરમ બન્યો છે. પોલીસે આપેલી વિગતો મુજબ, સૈયદ સુલેમાનપીર ટાપુ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસને બપોરના અરસામાં જખમંદિરથી થોડે દૂર ચરસનાં પેકેટ મળી આવ્યા હતા.પ્લાસ્ટિકના કોથળામાં શંકાસ્પદ રીતે મળી આવેલા ગુલાબી રંગના આ બિનવારસુ પેકેટ પર વચ્ચેના ભાગે લાલ પટ્ટી ચિતરેલી હતી અને અંગ્રેજીમાં નંબર વન ક્વોલિટી અને ઝમન તથા 1200 જીએમ છાપેલું હતું. તે ઉપરાંત ઊર્દૂ ભાષામાં પણ લખાણ હતું અને સિંહ તથા ફૂલનાં ચિત્રો દોરેલાં હતાં. જખૌ મરીન પોલીસે માદક પદાર્થનો જથ્થો કબજે કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પીઆઈ બી.પી. ખરાડીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દીપુભા સોઢા, હેડ કોન્સ. પ્રકાશદાસ, કોન્સ. મેહુલભાઈ લીંબડિયા, એસઆરડી જવાનો સહિતનો સ્ટાફ જોડાયો હતો.