વરદાયિની માતાજીની પલ્લી પર 10 લાખ લીટર ઘીનો અભિષેક
લાખો ભકતોએ ટ્રેક્ટર ટ્રોલી અને બેરલમાં ઘી ભરીને પલ્લી પર રેડયું, રસ્તા પર ઘીની નદીઓ વહી, રૂપાલ ગામના 27 ચોકમાં પલ્લી ફેરવવામાં આવી
ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આસો સુદ નોમની રાત્રે વરદાયિની માતાજીની પરંપરાગત પલ્લીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ પલ્લી યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન અને ઘીના અભિષેક માટે ઉમટી પડ્યા હતા અને આ વર્ષે ભકતોએ અતૂટ શ્રધ્ધા સાથે 10 લાખ લિટર ઘીનો અભિષેક કર્યો હતો.
ગામના 27 ચોકમાંથી પસાર થતી આ પલ્લી યાત્રા માટે સવારથી જ તૈયારીઓ શરૂૂ થઈ ગઈ હતી. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ દિવ્ય યાત્રાના સાક્ષી બનવા માટે ઉમટી પડ્યા હતા. આખી પલ્લી માત્ર 2 થી 3 કલાકમાં જ તૈયાર કરવામાં આવે છે અને તેને 27 ગ્રામ ચોકમાંથી પસાર કરવામાં આવી હતી.
પલ્લી યાત્રાને ધ્યાનમાં રાખીને લાખો ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં 27 ચોકમાંથી પસાર થઈને માતા વરદાયિનીના મંદિરે સંપન્ન થઈ હતી, જ્યાં માતાજીને ઘી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ પરંપરાગત પલ્લી યાત્રા ગુજરાતની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું એક મહત્વપૂર્ણ અંગ છે.
પલ્લી રથ પર મુખ્ય પાત્રમાં શ્રી વરદાયિની માતાને બલિદાન રૂૂપે ઘી ચડાવવામાં આવે છે. આ ક્રિયા દરમિયાન માતાજીની મૂર્તિના હાવભાવમાં હર્ષપૂર્ણ પરિવર્તન જોવા મળે છે, જે ભક્તો માટે એક દિવ્ય અનુભવ બની રહે છે. લાખો ભક્તો આ જીવંત દર્શનનો અનુભવ કરવા વિશ્વભરમાંથી આવે છે.
જો કોઈ કારણસર પલ્લીની રાત્રે દર્શન ન થઈ શકે, તો ભક્તો દશેરાની પ્રભાતથી શરદપૂર્ણિમાની મધ્યરાત્રિ સુધીમાં પરિવાર સાથે પલ્લી મંદિર પર આવીને માતાજીને અભિષેક કરે છે. આ વ્યવસ્થા દ્વારા વધુને વધુ ભક્તોને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળે છે.