મેઘાવી માહોલ વચ્ચે 110 તાલુકામાં વધુ 1 ઇંચ વરસાદ
તાલાલા, મેંદરડા-1, જૂનાગઢ, કેશોદ, ઉના, ખંભાત, માળિયા હાટીના પંથકમાં 0॥ ઇંચ પાણી વરસતા ખેડૂતો બેહાલ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે સતત પાંચ દિવસથી વરસી રહેલા વરસાદે ગઇકાલે જોર ઓછુ કર્યુ હોય તેમ 110 તાલુકામાં અડધા થી 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તાલાલા, મેંદરડા-1, જૂનાગઢ, કેશોદ, ઉના, ખંભાત, માળિયા હાટીના પંથકમાં 0॥ ઇંચ પાણી વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને હજૂ બે દિવસ હળવા ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે.લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્રમાં બે દિવસ વરસાદ પડયા બાદ આજે ત્રીજા દિવસે મેઘાવી માહોલ વચ્ચે વરસાદનું જોર ઘટયું છે.
દ્વારકા, સોમનાથ, સોરઠ, અમરેલી, પોરબંદર, રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટાથી લઈ 0॥ થી 1ઈંચ સુધીનો વરસાદ પડયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. તો હજૂ આગામી 48 કલાક સુધી સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં સવારે દ્વારકામાં ધોધમાર વરસાદ પડી જતા શહેર પાણી પાણી થઈ ગયું હતું. અડધા ઈંચ વરસાદમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. આ ઉપરાંત ઉના, કેશોદ, વેરાવળ, તાલાલા, ખાંભા, માળીયાહાટીનામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે માંગરોળ, ભાણવડ, માણાવદર, સુત્રાપાડા, જૂનાગઢ, વંથલી, રાણાવાવ, ગોંડલ, જોડિયા, પોરબંદર, રાજૂલા, કલ્યાણપુર, ગીર ગઢડા, કોડિનાર, કોટડાસાંગાણી, ઉપલેટા, મેંદરડા, જાફરાબાદ સહિતના સ્થળોએ વરસાદ પડતા રસ્તા ઉપરથી પાણી વહેતા થયા હતા.રાજકોટ શહેરમાં દિવસભર વરસાદી માહોલ વચ્ચે હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. સવારે અને સાંજે હળવો વરસાદ પડતા નવરાત્રીમાં રાસોત્સવના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા છવાઈ હતી.
છેલ્લા બે દિવસથી રાત્રીના વરસાદથી રાસોત્સવના મેદાનમાં પાણી ભરાવાના કારણે ખેલૈયાને રાસ રમવામાં પરેશાની થઈ હતી. હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરી છે. તેમાં આજેે બુધવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, પોરબંદર, દ્વારકા તેમજ ગુરૂૂવારે મોરબી, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.