ભાવનગરમાં સોનાના રોકાણથી વધુ વળતરની લાલચ આપી 1 કરોડની ઠગાઇ
ભાવનગરમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા આધેડને તેની ફેસબૂક ફ્રેન્ડ દ્વારા પોતે ફાઇનાન્સ એડવાઈઝર હોવાની ઓળખ આપી સોનામાં રોકાણ કરવાથી દરરોજ અધડા ટકાથી એક ટકા સુધી યુ.એસ.ડી.ટી. માં નફો મળશે તેમ જણાવી, વિશ્વાસમાં લઈ આધેડના નામનું વેબસાઈટમાં એકાઉન્ટ બનાવી રૂૂ.1.10 કરોડ જેવી મોટી રકમનું રોકાણ કરાવી તેના નફાનો યુ.એસ.ડી.ટી. ભાગ ઉપાડવા નહિ દઈ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા આધેડે ભાવનગર સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના ચિત્રા જીઆઇડીસી ક્વાર્ટર બી/9 માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યોગેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહિલ ( ઉં.વ. 50 ) ને જુન 2024 માં ફેસબુક ઉપર અનિકા શર્મા નામના આઈડી ધરાવતા વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી અને ફેસબુક મેસેન્જર દ્વારા વાત કરતી હતી તેમજ ફેસબુકમાં પોતે ફાઇનાન્સિયલ એડવાઈઝર તરીકે અલગ અલગ કંપનીની જાહેરાત મોકલી આપી અને અલગ અલગ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારો એવો નફો મળે છે.
તેમ જણાવી ફેસબુક મેસેન્જર ઉપર એક લીંક મોકલી હતી જેમાં સોનામાં ઓનલાઇન રોકાણ અને ટ્રેડિંગ કરવાથી રોજે રોજ 0.6% થી એક ટકા સુધી યુએસડીટી પ્રોફિટ મળશે તેમ જણાવ્યું હતું. યોગેન્દ્રસિંહ રોકાણ માટે રસ દાખવતા તેણે મો. નં.7358219451 પરથી વોટ્સએપ મેસેજ કરી રજીસ્ટ્રેશન કરવાનું કહેતા તેમનું એકાઉન્ટ બનાવ્યું હતું અને લિંક વાળી કંપની Goldman Sachs global financial (લતલર)ના આનલાઇન કસ્ટમર સપોર્ટના ચેટ હેડ મારફત આપવામાં આવેલ બેન્ક ખાતાની વિગતો મુજબ યોગેન્દ્રસિંહે તેમના બેન્ક ખાતામાંથી અલગ અલગ સમયે 10 જેટલા ટ્રાંજેકશન કરી કુલ રૂૂ.1,10,50,000 ટ્રાન્સફર કરાવ્યા હતા.આ રોકાણ કર્યા બાદ તેમના એકાઉન્ટમાં દર્શાવેલ વોલેટમાં દરરોજ થતા નફા પેટે યુ.એસ.ડી.ટી. 243695 દર્શાવતું હતું.
નફાનો આ ભાગ ઉપાડવા માટે યોગેન્દ્રસીંહ ગોહિલે કંપનીના ઓનલાઇન કસ્ટમર સપોર્ટ ચેટ હેડ મારફત રજૂઆત કરતા ઇન્ટરનેશનલ એન્ડ ધ અન ડીસ્કલોઝડ ફોરેન ઈનકમ એન્ડ એસેટ લો અન્વયે રિસ્ક માર્જીન ભર્યા બાદ ફંડ ઉપાડી શકાશે તેમ જણાવી તેમના જમા ફંડના 30 ટકા લેખે રૂૂ.60,67,964 ભરવાનો ઇમેઇલ કર્યો હતો.આથી યોગેન્દ્રસિહે ગત તા.5 અને 6/12/2024 ના રોજ રૂૂ.50,000 અને ત્યાર બાદ કંપની ક્ધવર્ઝન ફી અને 5 ટકા રકમ ઉપાડવાની ફી પેટે વધુ રૂૂ.17,00,000 આર.ટી.જી.એસ. દ્વારા ભર્યા હોવા છતાં આજ સુધી તેમના નફાનો ભાગ ઉપાડવા નહિ દઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.આ અંગે યોગેન્દ્રસ્સિંહ અરવિંદસિંહ ગોહિલે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ હેઠળ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.