માલિયાસણના રાધાનગરમાં પરિવારના બંધ મકાનમાંથી 1.90 લાખ મતાની ચોરી
શહેરનાં કુવાડવા રોડ પર આવેલા માલીયાસણ ગામમાં 10 દિવસ બંધ રહેલા મકાનમાંથી તસ્કરોએ રોકડ અને દાગીના સહીત 1.90 લાખ મતાની ચોરી કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ ઘટનામાં કુવાડવા પોલીસ સ્ટાફે તસ્કરને પકડવા તપાસ શરૂ કરી છે.મળતી વિગતો મુજબ માલીયાસણના રાધાનગરમાં રહેતા અને એમબીએનો અભ્યાસ કરતા નરેશ પરસોતમભાઇ સાગઠીયા નામના યુવાને પોતાની ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેઓના પિતા એક મહીનાથી ગામડે ખેતી કામ કરવા માટે ગયા હતા.
જેથી છેલ્લા એક મહીનાથી ઘરે પોતે અને તેમના માતા રહેતા હતા અને ગઇ તા. 10-11 ના રોજ નરેશ અને તેમના માતા ભાવનાબેન તેમના ઘરને તાળુ મારી અમદાવાદ રહેતા બહેનને ત્યા રોકાવા માટે ગયા હતા. તેમજ ઘરનુ ધ્યાન રાખવા અને ઘરની બહાર રહેલા છોડને પાણી પાવા માટે મામી સવિતાબેન ચાવડાને જાણ કરી હતી. ત્યારબાદ 21-11 ના રોજ નરેશભાઇ અમદાવાદ હતા ત્યારે મામી સવિતાબેનનો ફોન આવ્યો હતો અને તેમના ઘરના તાળા તુટેલી હાલતમાં હતા અને દરવાજો ખુલ્લો પડયો હતો. તેમજ ઘરની અંદરનો સામાન વેર વિખેર હાલતમાં હોવાનુ જાણવા મળ્યુ હતુ.
ત્યારબાદ તેઓ તુરંત રાજકોટ આવી પહોંચ્યા હતા અને પોતાના ઘરે જઇ તપાસ કરતા અલગ અલગ સોના - ચાંદીના દાગીના અને રોકડા રૂ. 80 હજાર મળી કુલ રૂ. 1.90 લાખની ચોરી થયાનુ જાણવા મળ્યુ હતુ. આ મામલે કુવાડવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ ચાવડા સહીતના સ્ટાફે તપાસ શરૂ કરી છે.