For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવડી માટે 1.8 કરોડની બોલી લગાવનાર પાણીમાં બેસી ગયો

05:30 PM Feb 03, 2024 IST | Bhumika
નવડી માટે 1 8 કરોડની બોલી લગાવનાર પાણીમાં બેસી ગયો

આરટીઓમાં મુદત પૂરી થવા છતાં નાણાં જમા નહીં કરાવતા ડિપાઝિટ જપ્ત, હવે રિ-ઓક્શન કરાશે

Advertisement

રાજકોટ વાહન વ્યવહાર કચેરી ખાતે સપ્તાહ પહેલા ફોર વ્હીલ ગાડીમાં 9 નંબર લેવા માટે ઐતિહાસિક કહી શકાય તેવી બોલી લગાવવામાં આવી હતી. કાર માલીક દ્વારા 9 નંબર લેવા માટે 1.8 કરોડ જેટલી બોલી લગાવી હતી. આરટીઓ દ્વારા આ રકમ ભરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામા આવે છે. ગઈકાલે બોલી લગાવ્યાને સપ્તાહ પૂર્ણ થવા છતાં પણ કાર માલીક દ્વારા રકમની ભરપાઈ નહીં કરતા તેની ડિપોઝીટ જપ્ત કરી લેવામાં આવી હતી. અને આગામી દિવસોમાં 9 નંબર માટે ફરીથી રિઓક્શન કરવામાં આવશે.

આરટીઓમાંથી મળતી માહિતી મુજબ અઠવાડિયા પહેલા આરટીઓ કચેરીમાં ફોર વ્હીલ માટેની જીજે 03 એનકે સીરીઝનું ઓક્શન કરવામાં આવ્યું હતું. જેમાં જીજે 03 એનકે 0009 નંબરના વાહન માલીકે નંબર લેવા માટે રૂપિયા 1,07,98,000 જેટલી બોલી લગાવવામાં આવી હતી. બે વાહન માલીકો વચ્ચે ભારે રસાકસી થયા બાદ 1.8 કરોડે આ બોલી અટકી પડી હતી. અને આ 9 નંબર ગોંડલના વાહન માલીકને ફાળવવામાં આવ્યો હતો. જેમાં તેને એક્શનની રકમ ભરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. આ અઠવાડિયાનો સમય હાલ પૂર્ણ થઈ ગયો છે. છતાં પણ વાહન માલીક દ્વારા રકમની ભરપાઈ નહીં કરતા આરટીઓ દ્વારા તેની સામે ડિપોઝીટની જમા કરાવેલી રૂા. 40 હજારની રકમ જપ્ત કરવામાં આવી છે.

Advertisement

રાજકોટ આરટીઓ કચેરીના ઈતિહાસમાં એક કરોડ સુધી બોલી લગાવવાની આ પ્રથમ ઘટના છે. અગાઉ ક્યારે પણ રાજકોટ કે રાજ્યની કોઈપણ આરટીઓ કચેરીમાં આટલી બોલી લગાવવામાં આવી નથી. આ બોલીથી રાજકોટ આરટીઓ કચેરી સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી. 51 લાખની કાર સામે પસંદગીનો 9 નંબર લેવા માટે કારમાલીક દ્વારા 1.8 કરોડ બોલી લગાવી હતી. આ બોલીથી સૌરાષ્ટ્રના નંબર સોખીનો પણ અચંબામાં પડી ગયા હતાં. અને ત્યારે જ રકમ ભરપાઈ કરાશે કે નહીં તે ચર્ચાએ જોર પકડ્યું છે.

9 નંબરની સાથે જ અન્ય 0001 જેના માટે 11.52 લાખ, 0007 માટે 8.10 લાખ, 1111 માટે 5.23 લાખ, 111 માટે 2.21 લાખ, 777 માટે 1.51 લાખ, 222 માટે 1.27 લાખ, 9999 માટે 1.18 લાખ, 303 માટે 1.16 લાખ અને 0008 માટે 10.7 લાખની બોલી લગાવવામાં આવી હતી. જે તમામે પોતાની રકમ ભરપાઈ કરી આપી હોવાનું આરટીઓએ જણાવ્યું છે.

અગાઉ પણ અનેક વાહનચાલકોએ ભારે બોલી લગાવી રકમ ભરપાઈ કરી નથી
રાજકોટ આરટીઓમાં અગાઉ પણ પસંદગીના નંબર માટે લાખોની બોલી લગાવવામાં આવી છે. ત્યારે પણ કેટલાક વાહન ચાલકો દ્વારા રકમની ભરપાઈ કરવામાં આવી નહીં હોવાનું આરટીઓના સુત્રોએ જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement