જુના માર્કેટ યાર્ડમાં શાકભાજીના 1.40 લાખની ઉઘરાણી મુદ્દે ત્રણ શખ્સોનો પાઇપથી હુમલો
મેહુલનગરના આધેડને સારવાર માટે ખસેડાયા; પોલીસ તપાસ જારી
શહેરમાં નિલકંઠ સિનેમા સામે મેહુનગરમાં રહેતા અને માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીનો દલાલીનું કામ કરતા આધેડ જુના માર્કેટ યાર્ડમાં હતા ત્યારે બે મહિના પહેલા આપેલા શાકભાજીના રૂા.1.40 લાખની ઉઘરાણી કરતા ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, નીલકંઠ સિનેમા સામે આવેલા મેહુનગરમાં રહેતા જગદીશભાઇ પ્રભુદાસભાઇ બગડાઇ નામના 51 વર્ષના આધેડ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં જુના માર્કેટીંગ યાર્ડમાં હતા ત્યારે રમેશભાઇ ભરવાડ અને તેના બે ભાઇઓએ ઝઘડો કરી લોંખડના પાઇપ વડે માર માર્યો હતો.
હુમલામં ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જગદીશભાઇ બગડાઇ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીની દલાલનું કામ કરે છે અને હુમલાખોર શખ્સની બે મહિના પહેલા 1.40 લાખની કિંમતની શાકભાજી આપ્યું હતું. જે શાકભાજીના રૂપિયાની ઉઘરાણી કરતા હુમલાખોર શખ્સોએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.