યાર્ડમાં મગફળીની 1.15 લાખ ગુણી ઠલવાઇ, શેડ બહાર ઢગલા
રોડ પર 9 કિલોમીટર 1000થી વધારે વાહનોની લાંબી કતાર: ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં જ જણસી લઇ ખેડૂતો ઉમટી પડયા
દિવાળી બાદ સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરતા યાર્ડમાં જણસીઓની આવકમાં વધારો થયો છે. રાજકોટ યાર્ડમાં આજે મગફળીની મબલખ આવક થતા શેડ ટુંકા પડયા હતા. જેથી શેડની બહાર રોડ ઉપર ઢગલા કરવામાં આવ્યા હતા. રોડ ઉપર પણ વાહનોના થપ્પા લાગતા લાંબી કતાર લાગી હતી.
આ અંગે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે બેડી યાર્ડમાં આજે મગફળીની આવક મબલખ પ્રમાણમાં થઇ હતી. જેમાં આશરે 1.15 લાખ ગુણીની આવક થઇ હતી. યાર્ડમાં લાખ ઉપર ગુણીની આવક થતા શેડમાં જગ્યા ટુંકી પડી હતી. શેડ હાઉસફુલ થતા વધેલી આવકની ઉતરાઇ રોડ ઉપર કરવામાં આવતા યાર્ડના પટાંગણ અને રોડ પર મગફળીના ઢગલા થયા હતા. આશરે 1000 થી વધારે વાહનો ભરીને ખેડુતો જણસી વેંચવા આવતા યાર્ડ બહાર અને અંદર નવ કિલોમીટર કરતા પણ વધુ થપ્પા લાગતા લાંબી લાઇન લાગી હતી.
રાજકોટ યાર્ડમાં આજે જીણી મગફળી અને જાડી મગફળીની આવક થઇ હતી. જયારે મગની 650 કવીન્ટલ, અડદની 800 કવીન્ટલ આવક થઇ હતી. રાજકોટ યાર્ડ 180 ગામનું કાર્યક્ષેત્ર ધરાવે છે. જેથી ખેડુતો પોતાની જણસી લઇ આવે તેને સુવિધા મળી રહે તે માટે તાજેતરમાં જ કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવ્યા છે પરંતુ હજુ શેડ ટુંકા પડતા નવા શેડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
સોયાબીનની આવક રાતથી થશે, મગફળીની બંધ કરાવાઇ
યાર્ડમાં આજે સવારથી વાહનોની લાંબી કતાર થતા 1.15 લાખ ગુણી ઠલવાતા યાર્ડમાં જગ્યા ટુંકી પડી હતી. જેથી મગફળીની આવક બંધ કરવામાં આવી હતી અને જયાં સુધી સુચના ન મળે ત્યાં સુધી મગફળી નહીં લાવવા નિર્દેશ કરાયો છે. ત્યારે આજ રાતથી સોયાબીનની ઉતરાઇ ચાલુ કરાશે અને તેની જાણકારી ખેડુતોને અપાઇ હોવાની યાર્ડના સતાધીશોએ જણાવ્યું છે.