દ્વારકા જિલ્લામાં આગામી સીમાંકન અને અનામત બેઠકો ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખની રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકા અને જિલ્લાની સીટોમાં જે નવેસરથી સીમાંકન કરવાનું થાય છે, તેમાં વિવિધ અનામત સીટો ફાળવવા જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ રિધ્ધિબા જાડેજા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ધરમપુર અને હર્ષદપુર જિલ્લા પંચાયત બેઠકમાંથી આશરે 50 ટકા જેટલી વસ્તી ખંભાળિયા નગરપાલિકાના નવા સીમાંકનથી આ વિસ્તારમાં ભળી ગઈ છે. જેના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની બેઠકોનું નવેસરથી સીમાંકન કરવાનું થાય છે. તે જ રીતે ખંભાળિયા તાલુકા પંચાયતમાં પણ નવેસરથી સીમાંકન કરવાનું જરૂૂરી જણાય છે.આ બાબતમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા પત્રમાં જણાવાયા મુજબ આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીમાં હવે પછી જે અનામતની સીટો જાહેર કરવાની થાય છે, તેમાં સમર્પિત આયોગ દ્વારા સરકારને જે અહેવાલ આપવામાં આવ્યો છે, તે મુજબ જે બક્ષીપંચની બે સીટ અનામત આવતી હતી તેના બદલે હવે પછી છ બેઠકોમાં બક્ષીપંચ અનામત આવશે. આ બાબતમાં જે રીતે અનુસુચિત જાતિની એક અને અનુસુચિત જનજાતિની એક એમ બે બેઠકોની અનામત આવે છે, આ બન્ને બેઠકોમાં જે અમાનત ફાળવવામાં આવે છે તેમાં જે બેઠકોમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની વસ્તી વધુ હોય તે બેઠકમાં તેની અનામત આપવામાં આવે છે. તો બક્ષીપંચની જે છ બેઠકો ફાળવવામાં આવે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે.
તેમાં પણ અગાઉ જે રીતે અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિની વસ્તીના ધોરણે અનામત ફાળવતા હતા, તે રીતે બક્ષીપંચની બેઠકો પણ જે સીટમાં વધારે બક્ષીપંચની વસ્તી હોય તે જ સીટો ફાળવવા માટે ખાસ માંગણી કરાઈ છે. કારણ કે જો ક્રમ પ્રમાણે બક્ષીપંચની બેઠકો ફાળવવામાં આવશે, તો જે સીટમાં બિન અનામતની વસ્તી હશે તે બેઠકોમાં પણ અનામત આવી જશે અને જેના કારણે બિન અનામતના લોકો આ ચુંટણી પ્રક્રિયાથી વંચિત રહેવા પામશે. કારણ કે અન્ય બેઠકોમાં બિન અનામતની વસ્તી હશે નહિ, ત્યાં બિન અનામત સીટ જાહેર કરવામાં આવશે તો પણ ત્યાં બીન અનામત ઉમેદવાર ચુંટણી લડી શકશે નહિ. જેના કારણે બિન અનામત ધરાવતા લોકોને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લઇ શકશે નહિ તેમ વધુમાં જણાવાયું છે.ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઇ, આ અંગે લોકશાહીમાં કોઈને અન્યાય ન થાય તેવું સરકાર અને ચુંટણી પંચ દ્વારા વ્યવસ્થિત માળખું તૈયાર કરીને આ અંગે કાર્યવાહી કરવા તેમના દ્વારા અનુરોધ કરાયો છે.