એરપોર્ટમાં હવે વ્હિલચેરની સુવિધા મફતમાં નહીં મળે
હવાઈ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં આવ્યો છે. હવે એરપોર્ટ પર દરેક મુસાફર માટે મફત વ્હીલચેર સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ નાગરિક ઉડ્ડયન સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે, જેના અંતર્ગત એરલાઇન્સ હવે એવા મુસાફરો પાસેથી ફી વસૂલ કરી શકશે જેઓ શારીરિક રીતે સક્ષમ છે પરંતુ વ્હીલચેરની સહાય માંગે છે.
DGCAના નવા નિયમો અનુસાર જો કોઈ મુસાફર અપંગ નથી કે ગતિશીલતાની તકલીફ ધરાવતો નથી છતાં એરપોર્ટ અથવા ફ્લાઇટ દરમિયાન વ્હીલચેરની માંગ કરે છે તો હવે તેને નિર્ધારિત ફી ચૂકવવી પડશે. આ ફી એરલાઇન્સ દ્વારા નક્કી કરવામાં આવશે અને તેમની વેબસાઇટ પર સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજિયાત રહેશે જેથી મુસાફરો બુકિંગ વખતે જ માહિતી મેળવી શકે.
DGCAએ સ્પષ્ટ કર્યું છે કે, અપંગતા ધરાવતા અથવા ગતિશીલતામાં ખામી ધરાવતા મુસાફરો માટે વ્હીલચેર સેવા અગાઉની જેમ સંપૂર્ણ મફત રહેશે. એરલાઇન્સે આવા મુસાફરોને પ્રાથમિકતા આપવી ફરજિયાત રહેશે અને તેમને સહાય મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે.
નવા નિયમો મુજબ જેમને સહાયની જરૂૂર છે તે મુસાફરોએ સમયસર એરપોર્ટ પર પહોંચવું આવશ્યક રહેશે. એરલાઇન્સ પોતાની સુવિધા મુજબ ન્યૂનતમ રિપોર્ટિંગ સમય નક્કી કરી શકશે, જેથી સહાય સમયસર પૂરી પાડવી સરળ બને.
