For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શોકમગ્ન રાજકોટ સ્વયંભૂ જડબેસલાક બંધ

11:14 AM Jun 25, 2024 IST | Bhumika
શોકમગ્ન રાજકોટ સ્વયંભૂ જડબેસલાક બંધ
Advertisement

TRP ગેમ ઝોન અગ્નિકાંડની પ્રથમ પુણ્યતિથિએ શહેરીજનોએ તંત્રની નિષ્ફળતા- નિંભરતા સામે ઠાલવ્યો પુણ્ય પ્રકોપ, પીડિતોને ઝડપી ન્યાય અપાવવા મૂક લાગણી સાથે આક્રોશ

સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર રાજકોટની ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને આજે એક માસ થતા પ્રથમ માસીક પુણ્યતિથિએ રાજકોટવાસીઓએ કોંગ્રેસની અપીલ પર જડબેસલાક બંધ પાળી આ અગ્નિકાંડમાં મોતને ભેટેલા 27 હતભાગીઓને સ્વયંભુ શ્રધ્ધાંજલી અર્પી હતી અને આ સાથે પીડીત પરિવારોને ઝડપી ન્યાય મળે તે માટે મુક આક્રોશ પણ વ્યકત કર્યો હતો. રાજકોટમાં પ્રથમ વખત આવું સંવેદનાપુર્ણ બંધ જોવા મળ્યું હતું. પોલીસતંત્ર અને સતાધારી પક્ષે આડકતરી રીતે વિવિધ સંગઠનો બંધમાં ન જોડાય તે માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ રાજકોટવાસીઓએ આવા પ્રયાસોને જોરદાર તમાચો માર્યો હોય તેમ સવારથી જ શહેરની નાની-મોટી તમામ બજારો, શાળાઓ સજજડ બંધ રહ્યા હતા.

Advertisement

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ભોગ બનેલા નિર્દોષ લોકોના પરિવારજનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે આ બંધનું એલાન અપાયું હતું. શરૂઆતમાં અમુક સંગઠનોએ સતાની શેહશરમમાં આવી બંધમાં જોડાવામાં નકારાત્મક વલણ અપનાવ્યું હતું પરંતુ લોકોનો આક્રોશ અને સંવેદનશીલ મુદો જોતા ગઇકાલ સાંજ સુધીમાં આનાકાની કરનાર સંગઠનોએ પણ સ્વૈચ્છીક રીતે બંધમાં જોડાવાની જાહેરાત કરી દીધી હતી. જેના પગલે રાજકોટમાં આજે અભુતપુર્વ કહી શકાય તેવો બંધ પળાયો હતો. લોકોએ ભીની આંખે મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી હતી અને આ ઘટનામાં કોઇપણ રાજકીય શેહશરમ વગર જવાબદારો સામે દાખલારૂપ પગલા ભરવામાં આવે તેવી મુક લાગણી વ્યક્ત કરી હતી.

આજના બંધના એલાનના પગલે સવારથી જ શહેરના રીંગરોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, નાનામવા રોડ, યાજ્ઞિક રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, દાણાપીઠ, કાપડબજાર, ઢેબર રોડ, સોની બજાર, ઇમિટેશન જવેલરી બજાર, કુવાડવા રોડ, સોરઠીયાવાડી સર્કલ વિસ્તાર, સામાકાંઠાની બજારો સહીત તમામ નાની-મોટી બજારો સ્વયંભુ બંધ રહી હતી. ચા-પાનના અને ખાણી-પીણીના ગલ્લાઓ પણ ખુલ્યા ન હતા. શહેરમાં બપોર સુધી સ્મશાનવત શાંતિ જોવા મળતી હતી.

કોંગ્રેસની બંધની અપીલના પગલે ગઇકાલે સાંજ સુધીમાં મોટાભાગના વેપારી મંડળોએ બંધમાં જોડાવાની જાહેરાત કરી દીધી હતી. ખાનગી શાળા સંચાલક મંડળ ઠેઠ સુધી અવઢવમાં રહેતા સાંજે રાજકુમાર કોલેજ, ક્રાઇસ્ટ કોલેજ, સેન્ટ ઝેવીયર્સ સ્કુલ, નિર્મલા સ્કુલ સહીતની મોટી શૈક્ષણિક સંસ્થાઓએ સામેથી જ બંધમાં જોડાવાની લેખીત જાહેરાત કરી દીધી હતી.

જયારે મોડી સાંજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પણ શાળા સંચાલકોને પોતાની વિવેકબુધી મુજબ બંધમાં જોડાવા નિર્ણય લેવા અપીલ કરતા શહેરની મોટાભાગની શાળા-કોલેજો પણ બંધમાં જોડાઇ હતી. આજના બંધના પગલે લાંબા સમય બાદ રાજકોટની રફતાર થંભી ગઇ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

કોંગ્રેસના કાર્યકરોએ દુકાનો બંધ કરાવવા હાથ જોડ્યા
આજે રાજકોટ બંધના એલાન વચ્ચે સવારથી મોટાભાગની બજારો બંધ રહી હતી. પરંતુ સવારમાં ચા-પાનના અમુક ગલ્લા ખુલતા સવારે 9 વાગ્યાથી જ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો શહેરની બજારોમાં નીકળી પડયા હતા અને વેપારીઓને બે હાથ જોડી બંધ પાળવા અપીલ કરતા નજરે પડયા હતા. કોંગ્રેસની અપીલના પગલે સવારે જે અમુક દુકાનો ખુલી હતી તે પણ બંધ થઇ ગઇ હતી. બંધના એલાનના પગલે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement