For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

"ગ્રીન ખંભાળિયા":… ખંભાળિયા શહેરને હરિયાળું બનાવવા તજજ્ઞો, સેવાભાવીઓની અનોખી પહેલ

02:38 PM Jun 13, 2024 IST | Bhumika
 ગ્રીન ખંભાળિયા  … ખંભાળિયા શહેરને હરિયાળું બનાવવા તજજ્ઞો  સેવાભાવીઓની અનોખી પહેલ
ગ્લોબલ વોર્મિંગના અવારનવાર કાનમાં અથડાતા શબ્દએ સૌ કોઈને આકુળ-વ્યાકુળ કરી દીધા છે. પર્યાવરણનું સંતુલન ખોરવાતા કાળઝાળ ગરમી તેમજ વરસાદની અનિયમિતતાથી સમગ્ર વિશ્વ પણ ચિંતિત છે. ત્યારે ખંભાળિયાના પીઢ સેવાભાવીઓ તેમજ તજજ્ઞો દ્વારા ગ્રીન ખંભાળિયા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગ્રીન ખંભાળિયા ગ્રુપના સેવાભાવીઓ અને પર્યાવરણપ્રેમીઓ દ્વારા વિવિધ પ્રકારે પર્યાવરણલક્ષી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.જેમાં પ્રથમ ચરણમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષો ઉઝેરવા અને માવજત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખંભાળિયાના જૂની પેઢીના સેવાભાવી તબીબ ડોક્ટર એચ.એન. પડિયાના વિચાર અંકુરને ઘટાદાર વૃક્ષ બનાવવા "ગ્રીન ખંભાળિયા"ની ટીમ તૈયાર થઈ છે. "ગ્રીન ખંભાળિયા"નો મુખ્ય હેતુ ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં મહત્તમ પ્રમાણમાં વૃક્ષો વાવવા, કપાતા વૃક્ષો બચાવવા તેમજ વૃક્ષોની માવજત કરવા સાથે લોક જાગૃતિનો અભિગમ કેળવવાનો છે. ત્યારે "ગ્રીન ખંભાળિયા" ગ્રુપના સેવાભાવી યુવાનો, કાર્યકરો, તબીબો, પત્રકારો ગઈકાલે અહીંના ભીડભંજન મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં એકત્ર થયા હતા અને વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું હતું.અહીં જોડાયેલા સિનિયર એડવોકેટ, તબીબ વિગેરે દ્વારા આગામી પગલાના ભાગરૂપે સરકાર પાસેથી મોટો ખરાબો માંગીને તેમાં આ કાર્યકરો વૃક્ષોનું જંગલ બનાવશે તેઓ નિર્ધાર કર્યો હતો. આટલું જ નહીં, તેમના દ્વારા અહીં તેમજ જુદા જુદા વિસ્તારોમાં રહેલા વૃક્ષોને ઉઝેરવાની વ્યવસ્થા તેમજ જરૂર પડ્યે ટ્રી ગાર્ડ પણ મુકવાનું નક્કર આયોજન કરાયું છે.નારાયણ નગરમાં રહેતા વીરાભાઈ ભાદરકા નામના એક સદગૃહસ્થ દ્વારા નોંધપાત્ર જહેમતથી 50 જેટલા ઝાડ ઉગાડવામાં આવ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર 10 જેટલા ઝાડનો જ વિકાસ થયો હતો. શહેરને હરીયાળુ બનાવવાના દ્રઢ નિર્ધાર સાથે સેવાભાવી કાર્યકરો આગામી દિવસોમાં વધુ સક્રિય બની અને વિશાળ ટીમ તેમજ મોટી સંખ્યામાં નગરજનોને સાથે રાખીને શહેર ખરા અર્થમાં શહેર "ગ્રીન ખંભાળિયા" બની રહે તે માટેનું પ્લાનિંગ પણ કરાયું છે.હાલ સતત બદલાતા જતા પર્યાવરણીય માહોલ વચ્ચે આ ઝુંબેશ એક આશાનું કિરણ બની રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement