For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મિનરલ વોટરના કરોડોના બિઝનેસમાં કાંડની રાહ જોતી સરકાર!!

11:44 AM Jun 20, 2024 IST | admin
મિનરલ વોટરના કરોડોના બિઝનેસમાં કાંડની રાહ જોતી સરકાર

નગરમાં લાખો લોકો રેડીમેડ મિનરલ જગનું પાણી પીવે છે: આ પાણીના જગ અને બોટલ્સની ગુણવતા ચેક કરવાની જવાબદારી કોની..?: આ પાણીની કવોલિટીઝ માટે કોઈ નિયમોનું પાલન શા માટે કરાવવામાં આવતું નથી: ઘણાં ધંધાર્થીઓ અશુદ્ધ પાણીનો ઉપયોગ કરતાં હોય..: આ ધંધાર્થીઓ પૈકી એકાદ ધંધાર્થીના જળસ્ત્રોતમાં, ન કરે નારાયણ અને કયારેક, કંઈક અમંગળ બને, તો જવાબદારીઓ કોની?: કે, આપણે સૌ દુર્ઘટના પછી જ જાગીશું ?!

Advertisement

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતની માફક જામનગરમાં પણ મિનરલ વોટરનો ધંધો લાખો રૂૂપિયાનો છે. આ બિઝનેસ આટલો વિશાળ હોવા છતાં અને લાખો લોકો આ મિનરલ વોટર પિવે છે આમ છતાં આ ધંધાર્થીઓ માટે કોઈ નિયમો બનાવવામાં આવ્યા નથી. જામનગરમાં લાખો લોકો આ મિનરલ વોટર પીવાના ઉપયોગમાં લ્યે છે આમ છતાં મહાનગરપાલિકાએ એ ચિંતા કરવાની હોતી નથી કે, લોકોના પેટમાં જતું આ પાણી કવોલિટીની દ્રષ્ટિએ કેવું હોય છે !!

જામનગર શહેરમાં અને શહેરની આસપાસ મિનરલ વોટરના સંખ્યાબંધ પ્લાન્ટ છે. આ ધંધાર્થીઓ વરસે દહાડે કરોડો રૂૂપિયાનો બિઝનેસ કરે છે. આ મિનરલ વોટરના પ્લાન્ટમાં જે પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, એ પાણીની ગુણવત્તા શું હોય છે, તેની કોઈને પણ ખબર પણ નથી અને ચિંતાઓ પણ નથી.
આ પ્રકારના મિનરલ વોટર પ્લાન્ટમાં તૈયાર થતું પાણી પિવા યોગ્ય હોય છે કે કેમ, તેની તપાસ કોઈના દ્વારા થતી નથી. કોર્પોરેશનની ફૂડ શાખાએ કે આરોગ્ય શાખાએ આ મિનરલ વોટરની ગુણવત્તા તપાસવાની હોતી નથી. એટલે કે, આ લાખો લિટર મિનરલ વોટર કોઈ જ વૈજ્ઞાનિક ચકાસણીઓ વિના જ આપણાં સૌના આંતરડામાં ઠલવાઈ રહ્યું છે. આપણી ઘણી બધી બિમારીઓ આ પાણીને કારણે છે કે કેમ, તે પ્રશ્નનો જવાબ લોકોને મળે, તેવી કોઈ જ વ્યવસ્થાઓ ન તો મહાનગરપાલિકાએ કરી છે, ન તો રાજ્ય સરકારે કરી છે, બધે જ લાલિયાવાડીઓ ચાલી રહી છે.

Advertisement

મિનરલ વોટર બનાવવા માટે આ પ્રકારના પ્લાન્ટને મહાનગરપાલિકા દ્વારા કોઈ વિશેષ વ્યવસ્થાઓ હેઠળ નર્મદાનું પાણી કે કોર્પોરેશનનું શુદ્ધ કરેલું પાણી પહોંચાડવામાં આવતું નથી. મોટાભાગના આવા મિનરલ વોટર પ્લાન્ટ ભૂગર્ભજળનો ઉપયોગ કરે છે, એટલે કે બોરના પાણીનો ઉપયોગ કરે છે. બોરના આ પાણીની ગુણવત્તા કેવી હોય છે, તેનું કોઈ ચેકિંગ કોઈના પણ દ્વારા થતું નથી. મહાનગરપાલિકાએ આવી કોઈ ચેકિંગ કામગીરીઓ આ પ્લાન્ટમાં કરવાની હોતી નથી. આ સ્થિતિમાં આ પ્લાન્ટના ધંધાર્થીઓ લાખો લોકોને મિનરલ વોટર પિવડાવે છે કે ભૂ પિવડાવે છે, તે પ્રશ્નનો જવાબ કોઈને ખબર નથી.
માણસ જે પાણી પિવાના ઉપયોગમાં લે તે પાણીની પીએચ વેલ્યુ નિર્ધારીત હોવી જોઈએ, જો આ વેલ્યુ 7 થી નીચે હોય તો તે પાણી માનવશરીર માટે એસિડિક એટલે કે તેજાબી બની જાય છે. આ પાણી માણસના શરીરમાં રોગોને આમંત્રણ આપે છે, જન્મ આપે છે. આ ઉપરાંત માણસના શરીરમાં જતાં પાણીમાં ટીડીએસનું પ્રમાણ પણ નિર્ધારીત એટલે કે, 200-250 આસપાસ હોવું જોઈએ. એથી વધુ ટીડીએસ ધરાવતું પાણી માણસના શરીરમાં ક્ષારયુક્ત કચરો જમા કરે છે, મિનરલ વોટરના પ્લાન્ટમાંથી લાખો લોકો સુધી પહોંચતા પિવાના આ પાણીમાં ટીડીએસનું પ્રમાણ કેટલું છે, તે કોઈના દ્વારા ચેક કરવામાં આવતું નથી. ટૂંકમાં, મિનરલ વોટર પ્લાન્ટથી તમારાં સુધી પહોંચતા પાણીને કોઈ તપાસતું નથી.

આ પ્રકારના ધંધાર્થીઓના પાણીના ટાંકા કે બોર સહિતના જળસ્ત્રોત કોઈ તપાસતું નથી. આ ધંધાર્થીઓ લાખો લોકોને કેવું પાણી પિવડાવે છે, ભગવાન જાણે. વોટર પ્યુરીફાયરના બિઝનેસ સાથે સંકળાયેલા એક જાણકારના કહેવા મુજબ, જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં એક પણ કારખાનામાં ઈલેક્ટ્રોપ્લેટીંગ એટલે કે નિકલ પ્લેટીંગ સહિતના તમામ ધંધાર્થીઓ પોતાના ઝેરી પાણી ખુલ્લામાં છોડે છે, આ ઉપરાંત આ ઉદ્યોગનગર આસપાસના વિસ્તારોમાં પાણીમાં ટીડીએસનું પ્રમાણ પણ જોખમી છે, પિવાના પાણીમાં 200-250 આસપાસ ટીડીએસ હોય છે. આ વિસ્તારોમાં પાણીમાં ટીડીએસનું પ્રમાણ 2,000-2,500 આસપાસ હોય છે. આવા વિસ્તારોની આસપાસ આવેલાં મિનરલ વોટર પ્લાન્ટના પાણી માનવ આરોગ્ય માટે અતિ જોખમી સાબિત થઈ શકતા હોય છે. આમેય જામનગરના ભૂગર્ભ જળની કવોલિટી જોખમી બની ચૂકી છે. આ પ્રકારની સ્થિતિમાં શહેરના અને શહેરની આસપાસના વિસ્તારોમાં આવેલાં મિનરલ વોટર પ્લાન્ટના પાણીની ગુણવત્તા શંકાથી પર હોય ન શકે. આ ઉપરાંત કયારેક એવું પણ શક્ય છે કે, કોઈ મિનરલ વોટર પ્લાન્ટનો જળ સ્ત્રોત કોઈ કારણસર જોખમી અથવા ઝેરી બની જાય તો જામનગરમાં જલકાંડ પણ સર્જાઈ શકે.

તંત્ર કરી રહ્યું છે જવાબદારીઓની બેફામ ફેંકાફેંકી

જામનગર મિરર દ્વારા, મિનરલ વોટરની શુદ્ધતાની જવાબદારીઓ કોની ? એવો પ્રશ્ન કોર્પોરેશનની ફૂડ શાખાને પૂછવામાં આવ્યો હતો. ફૂડ સેફટી ઓફિસર નિલેષ જાસોલિયા કહે છે, આ જવાબદારીઓ કોર્પોરેશનની છે. અમારી જવાબદારીઓ પેકેજડ બોટલના ચેકિંગની છે. લૂઝ પાણીના જગ અને બોટલ્સ અમો ચેક કરતાં નથી. આ જ પ્રશ્ન મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચારણીયાને પૂછવામાં આવતાં તેમણે આ ચેકિંગની જવાબદારીઓ ફૂડ શાખાની છે એમ કહ્યું. અહીં સવાલ એ છે કે, કોર્પોરેશનની ફૂડ શાખા કે વોટર વર્કસ શાખા, શહેરમાં વેચાતું અને પિવાતું લાખો લિટર લૂઝ મિનરલ વોટર ચેક કરતાં નથી, તો આ પાણીની શુદ્ધતા ચકાસવાની જવાબદારીઓ કોની ? કે પછી વર્ષોથી કરોડોનો આ બિઝનેસ રામભરોસે ધમધમી રહ્યો છે ?!

Advertisement
Tags :
Advertisement
Advertisement