For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીરની સ્પેરો ગર્લ વાઇલ્ડ લાઇફમાં કંડારે છે અનોખી કેડી

01:33 PM Mar 20, 2024 IST | Bhumika
ગીરની સ્પેરો ગર્લ વાઇલ્ડ લાઇફમાં કંડારે છે અનોખી કેડી
  • આજે વિશ્વ ચકલી દિવસ:ચકલીને ખાવા-પીવાની જગ્યા, મનગમતું વાતાવરણ આપીને બે હાથ ફેલાવીને આવકારીએ
  • ચકલીની ઘણી જાત છે તેમાં જે આપણાં ઘરોમાં, સમાજમાં રહે છે તે હાઉસ સ્પેરો એટલે કે ઘર ચકલી કહેવાય છે: ડો.આરતી ચાવડા
  • ગીરના ડો.આરતી ચાવડા ચકલી વિષય પર પીએચ.ડી. કરી હાલ ચંદીગઢમાં છતબીર ઝૂમાં બાયોલોજીસ્ટ કમ સાયન્ટિફિક ઓફિસર તરીકેની ફરજ બજાવે છે

Advertisement

‘એક સમયે ફળિયાવાળા ઘર હતા, પાછળ વંડામાં સુરક્ષા માટે બાવળ, બોરડી વગેરે વાવવામાં આવતા જેથી ત્યાં ચકલી રાતવાસો કરી શકતી. દિવસે ઘરના આંગણામાં નાખેલ ચણનો ચારો ચણતી અને જાણે પોતાનું જ ઘર હોય એમ પંખા પર, ફોટાની પાછળ અથવા તો ગોખલામાં અડ્ડો જમાવી માળો બાંધતી. માણસોના રહેઠાણ બદલાયા, લાઈફ સ્ટાઈલ બદલાઈ જેથી ચકલીઓને પણ મુશ્કેલી પડતી ગઈ. એસી મકાન,સ્વચ્છતાનો આગ્રહ, હાઈરાઈઝ બિલ્ડિંગના કારણે વૃક્ષોનું છેદન વગેરેના કારણે ચકલીઓના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો જેના કારણે આજે આપણે વિશ્વ ચકલી દિવસ ઉજવવો પડે છે પરંતુ આજે ચકલીઓને લઈને જે જાગૃતિ આવી છે તે જોઈને ખુશી થાય છે. લોકો ચકલી બચાવવા માટે પ્રયત્નશીલ બન્યા છે, માળાનું વિતરણ થાય છે, લોકો પોતાના ફળિયા, બાલ્કનીમાં પાણીના કુંડા મૂકે છે અને ખુલ્લા હૃદયથી ચકલીઓને આવકારે છે તે જોઈને ખરેખર ખુશી થાય છે’. આ શબ્દો છે ચકલી વિષય પર પીએચ.ડી. કરનાર ડો.આરતી ચાવડાના કે જેઓ હાલ પંજાબ,ચંદીગઢમાં છતબીર ઝૂમાં બાયોલોજિસ્ટ કમ સાયન્ટિફિક ઓફિસર તરીકેની ફરજ બજાવે છે. ચકલીના રિસર્ચ તેમની કામગીરી બદલ મિત્રો તેમને સ્પેરો ગર્લ તરીકે ઓળખે છે.

લાયન અને લેપર્ડ વચ્ચે ગીરના સોંદરડા ગામે તેઓનો જન્મ થયો. નાનપણમાં દાદા, નાના બર્ડ વોચિંગ કરતા તે જોઈને પ્રકૃતિ સાથે પ્રેમ થયો. બી.એસ.સી., એમ.એસ.સી. કર્યા બાદ વાઇલ્ડ લાઇફ વિષયને લઈને લાયન પર એમ ફીલ કર્યું. 2018માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રો.ભૂપત રાદડિયા તેમજ પ્રોફેસર ડોક્ટર વી.સી સોનીના માર્ગદર્શન હેઠળ ચકલી વિષયને લઈને પીએચ.ડી. કર્યું. રાજકોટમાં કયા વિસ્તારમાં કેટલી ચકલી છે?, વહેલી સવારે 4:00 વાગે ચકલી ઊઠે, ઉડે ત્યારથી લઈને ઝંપી જાય ત્યાં સુધીની વિગતો તેઓ એકઠી કરતા.અનેક અગવડભરી પરિસ્થિતિમાં પણ અડગ રહી પીએચ.ડી. પૂર્ણ કર્યું. સામાન્ય પરિસ્થિતિમાં ચાર ભાઈ-બહેનના પરિવાર વચ્ચે દીકરી આરતી વાઇલ્ડ લાઇફ વિષયમાં આગળ વધી.માસ્ટર કરતી વખતે જ ફિશરીઝમાં ઓફિસર તરીકે નોકરી મળી પરંતુ હૃદયના એક ખૂણામાં વાઇલ્ડ લાઇફ પ્રત્યેનો પ્રેમ ધબકતો હતો.નોકરી છોડી પીએચ.ડી. કર્યું. જૂનાગઢ શક્કરબાગમાં પણ નોકરી કરી.અહીં પણ ચિંકારા, ઘુડખર, ચોશીંગા, ચિત્તા વગેરેના ક્ધઝર્વેશન બ્રીડિંગમાં મહત્ત્વનો ફાળો આપ્યો. હાલ તેઓ ભારતના સૌથી મોટા ઝૂમાં જેની ગણતરી થાય છે એવા ચંદીગઢના છતબીર ઝૂમાં ફરજ બજાવી રહ્યા છે. સમગ્ર પંજાબના ઝૂમાં તેઓ એક માત્ર મહિલા ઓફિસર છે.
હાલ તેઓ ફાલ્કન ,ટાઈગર તેમજ માઉસ ડિયર, સારસ, હિમાલયન ગોરલ વગેરે પર ક્ધઝર્વેશન બ્રીડિંગ(સંવર્ધન)ની મહત્ત્વની કામગીરીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. જંગલ પ્રત્યેના પ્રેમને કારણે તેઓએ આ નોકરી સ્વીકારી. પંજાબની વિપરિત સામાજિક પરિસ્થિતિમાં પણ પોતાની જાતને ઢાળી. મહિલાઓને કોઈ હોદ્દા પર ન સ્વીકારવાની માનસિકતા સામે સંઘર્ષ કરી આજે તેઓએ પોતાનું સ્થાન બનાવ્યું છે.ક્ધઝર્વેશન બ્રીડિંગ માટે તેઓ હિમાચલ, જમ્મુ કાશ્મીર પણ જાય છે,આમ તેઓ ગુજરાત અને સોરઠનું નામ રોશન કરી રહ્યા છે.

Advertisement

છતબીર ઝૂમાં 128 પ્રકારના 1600 જેટલા પ્રાણીઓ છે જે દરેક સાથે તેઓ લગાવ ધરાવે છે, તેમની ગેરહાજરીમાં અમુક પ્રાણીઓ ભોજન પણ કરતા નથી અને એટલા માટે જ તેઓ રવિવારની રજા પણ ભોગવતા નથી. જેમ મા પોતાના બાળકને પ્રેમ કરે એટલો જ પ્રેમ તે દરેકે દરેક પ્રાણીને કરે છે. તેની નાનામાં નાની ખાસિયત તેઓ જાણે છે. પોતાની સફળતા માટે પિતા ભાનુભાઈ ચાવડા અને માતા લીલાબેન ચાવડા તેમના પ્રેરણા સ્ત્રોત છે.

અહીં સુધી પહોંચવામાં તેઓને અનેક સંઘર્ષનો પણ સામનો કરવો પડ્યો છે પરંતુ તેઓ માને છે કે સંઘર્ષ વગરના જીવનની મજા ના હોય. કોલેજના અભ્યાસ સમયે જ અકસ્માત થયો હતો અને પગમાં ઈજા થઈ આ બધા વચ્ચે પિતાજીએ પણ અચાનક વિદાય લીધી. ઘરની, માતાની જવાબદારી સમયે ચંદીગઢમાં ઇન્ટરવ્યૂ થયો આ બધા વચ્ચે માનસિક,શારીરિક સામાજિક,આર્થિક દરેક મોરચે તેઓએ સંઘર્ષ કર્યો અને અડગ રહી પોતાના મનગમતા કામની કેડી કંડારી. શાળા-કોલેજમાં અવેરનેસ માટે લેક્ચર લેવા જાય છે. માઉન્ટેન્યરિંગનો પણ શોખ ધરાવે છે. જંગલ અને પહાડો ખુંદનાર ડો. આરતી ચાવડાનો પહેલો અને છેલ્લો પ્રેમ એનિમલ છે.હજુ તેઓને દેશ અને દુનિયાના જંગલો ફરવા છે, ત્યાંના પ્રાણીઓને ઓળખવા છે તેમનું આ સ્વપ્ન સાકાર થાય તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.....

તો તમારું ઘર ચકલીના ચીં ચીં થી ગુંજી ઉઠશે
આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે તેઓએ જણાવ્યું કે ચકલીની ઘણી જાત છે તેમાં જે મનુષ્ય સાથે ઘરોમાં, સમાજમાં રહે છે તે હાઉસ સ્પેરો એટલે કે ઘર ચકલી કહેવાય છે તે કાંટાળા ઝાડ પર રાતવાસો કરે છે, તેમજ બાજરો કંગની, ચોખા વગેરે જીણા દાણા ચણે છે તે એક બે કિલોમીટરના એરિયામાં જ ફરે છે અને મનુષ્ય સાથે જ તેનું જીવન પણ આગળ ધપે છે. માણસની બદલાયેલ જીવનશૈલી સાથે ચકલીઓએ પણ પોતાનામાં બદલાવ લાવ્યો છે અને તે ફરી જાણે પાછી ફરી હોય તેમ લાગે છે. હાલ પૂંઠાના માળા તેમજ માટીના ગરબા વગેરેમાં માળા બનાવતી થઈ છે અને મોટા શહેરો સિવાય નાના ગામ અને વૃક્ષો વચ્ચે તે ફરી ફરતી ફરતી ઉડતી થઈ છે તે આનંદની વાત છે. મહિલાઓ આ કામ વધુ સારી રીતે કરી શકે કારણ કે ઘરની જવાબદારી તેના પર હોય છે. ચકલી માટે ફક્ત ઘરમાં દાણા-પાણીની વ્યવસ્થા કરશો તો પણ તેનું ચીં ચીં નું સંગીત ઘરમાં ગુંજી ઉઠશે. ઘર ચકલી આપણા બધાથી થાકીને જતી રહે એ પહેલાં આપણે તેને મનગમતું વાતાવરણ બનાવીએ, રહેવા ખાવા-પીવાની જગ્યા આપીને બે હાથ ફેલાવીને આવકારીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement