For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હોંગકોંગમાં ભારતીય સંસ્કૃતિની સુગંધ ફેલાવે છે ગરવી ગુજરાતણ

01:15 PM Apr 17, 2024 IST | Bhumika
હોંગકોંગમાં ભારતીય સંસ્કૃતિની સુગંધ ફેલાવે છે ગરવી ગુજરાતણ
  • ભારતીય ભાષા,સંસ્કૃતિ અને તહેવાર દ્વારા હોંગકોંગમાં નાનકડું ભારત ઉભું કર્યુ છે પૂર્વી બુટોલાએ
  • પીપીટી,ફોટોગ્રાફ અને વીડિયો દ્વારા ભારતની ભાષા, તહેવારો, નૃત્ય, ખોરાક વગેરે વિશે ઝીણવટભરી બાબતો શીખવે છે પૂર્વી બુટોલા

ભારતથી હજારો કિ.મી. દૂર હોંગકોંગમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે એક સેમિનાર યોજાયો હતો,જેમાં ભારતના લોકપ્રિય તહેવાર દિવાળી વિશે સમજ આપવામાં આવી.ઘરની સાફસફાઈ થી લઈને મીઠાઈ,નાસ્તા બનાવવાનું કારણ,રંગોળી,દીવડાનું મહત્ત્વ તેમજ એકબીજાના ઘરે શુભેચ્છા આપવાની પાછળનો મર્મ સમજાવવામાં આવ્યો.ફક્ત વાતો નહિ પરંતુ ત્યાં રંગોળી બનાવતા તેમજ ચેવડો, તીખા ગાંઠિયા બનાવતા શીખવવામાં આવ્યા અને તેનો ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો.પીપીટી,ફોટો, વીડિયો દ્વારા દિવાળીના પાંચ દિવસનું ધાર્મિક મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું.હોંગકોંગમાં ફક્ત દિવાળી નહિ પરંતુ ભારતીય,ભાષા,સંસ્કૃતિ અને તહેવાર દ્વારા નાનકડું ભારત ઉભું કરનાર આ યુવતી છે મૂળ સૌરાષ્ટ્રના પૂર્વી બુટોલા હોંગકોંગના લોકોને ભારતીય કલા,સંગીત અને નૃત્યનો રંગ લગાડનાર પૂર્વીબેનનો જન્મ રાજકોટ અને અભ્યાસ તથા ઉછેર જામનગર નજીક આવેલ ઈંઘઈ ટાઉનશિપમાં થયો.

Advertisement

પિતાજી ડી .એમ.ઠક્કર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેનેજર હતા અને માતા ચંદ્રિકાબેન ઠક્કર ટીચર હતા.પૂર્વીબેન નાનપણથી જ ભણવામાં તેજસ્વી, દેખાવમાં સુંદર હોવાથી પરિવારજનોએ સ્ટેજ પર પર્ફોર્મ કરાવવાનું નક્કી કર્યું.3 વર્ષની ઉંમરે પ્રથમ વખત સ્ટેજ પર ગયા પછી આ સ્ટેજ સાથે અલગ પ્રકારનું તાદાત્મ્ય અનુભવાયું.6 વર્ષની ઉંમરથી ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું.જામનગર ડી.કે.વી. કોલેજમાં અભ્યાસ કર્યો.આ સમય દરમિયાન પણ કોરિયોગ્રાફી કરતા, નૃત્યના કાર્યક્રમો કરતા.નૃત્યમાં શાસ્ત્રીય સંગીતથી લઈને લોકનૃત્ય, ગરબા સહિત દરેક પ્રકારના નૃત્ય શીખવતા ગયા. ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પણ કર્યો.

2004માં કોલોનીમાં સાથે રહેતા બુટોલા પરિવારના સંદીપ બુટોલા સાથે લગ્ન થયાં.શરૂૂઆતના દિવસો બાદ સંઘર્ષની શરૂૂઆત થઈ.પતિના બિઝનેસમાં ઉતાર-ચડાવ આવતા રહ્યા. 2007માં દીકરાનો જન્મ થયો.આ બધા સંઘર્ષ વચ્ચે પતિને દુબઈમાંથી નોકરીની ઓફર આવી.દુબઈ બાદ પ્રમોશન થતાં હોંગકોંગ જવાનું બન્યું અને ફરી અલગ સંઘર્ષ શરૂૂ થયો. હોંગકોંગ ગયા પછી નવું વાતાવરણ,નવી ભાષા,નવા લોકો સાથે તાલ મેલ બેસાડવામાં પણ ખૂબ મુશ્કેલી પડી.દીકરાની જવાબદારી સંભાળવા સાથે બ્યુટી સલૂનમાં નોકરી કરી.ત્યારબાદ ભગવાને એક એવી તક આપી જેણે પરદેશની દુનિયામાં સફળતાના દ્વાર ખોલી આપ્યા.

Advertisement

આ તક એટલે આર્ટ એન્ડ ક્રાફટની કામગીરી.થોડા દિવસ બાદ ભારતીય સમાજના વિસ્તારમાં ઘર શિફ્ટ કરાતા ત્યાં પણ ગરબા અને ડાન્સ શીખવવાની ભારતીય લોકોએ ઓફર કરી.એક પછી એક પગથિયાં આવતા ગયા અને તેઓ પોતાના પરિશ્રમ અને નિષ્ઠા વડે સફળતા મેળવતા ગયા.અનેક ઇવેન્ટમાં તેઓને સ્ટેજ પ્રોગ્રામ માટે આમંત્રણ મળતું.શાળા-કોલેજમાં પણ ડાન્સ કોરિયોગ્રાફી કરાવતા, વર્ક શોપ લેતા તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા લાગ્યા, એક્ઝિબિશન કરતા જેમાં કચ્છની કલા પ્રદર્શિત કરતા.

પૂર્વીબેન જણાવે છે કે, ‘અહીંના લોકોમાં કલાની સમજ છે.અહીંનું કોઈ કલ્ચર નથી પણ ભારતીય સંસ્કૃતિથી તેઓ આકર્ષાય છે. આપણી સંસ્કૃતિ ગૌરવ લેવા જેવી બાબત છે જેમાં ત્યાંના લોકો ખૂબ રસ લે છે.હું પીપીટી,ફોટોગ્રાફ અને વીડિયો દ્વારા ઝીણવટભરી બાબતો શીખવું છું,આમ તેમનો રસ વધતો જાય છે. રસ એન્ડ રિધમ નામની ડાન્સ કંપની ચાલવું છું તેમજ કલ્ચર ફ્યુઝન બાય નેપુર કલેક્શનમાં ડ્રેસીસ રેન્ટ પર આપીએ છીએ.” હાલ તેઓ દીકરાના અભ્યાસ માટે રાજકોટમાં રહે છે અને અહીં પણ ડાન્સ ક્લાસીસ શરૂૂ કર્યા છે.પોતાના ભાઈના આકસ્મિક અવસાન બાદ માતા પિતાની જવાબદારી પણ નિભાવે છે. એક તરફ પિતાજી હોસ્પિટલમાં હતા અને હોંગકોંગમાં શ્રી શ્રી રવિશંકર મહારાજના કાર્યક્રમનું પર્ફોર્મન્સ હતું છતાં ત્યાં ટીમને ઓન લાઇન ટ્રેનિંગ આપી પોતે રવિશંકર મહારાજની હાજરીમાં પર્ફોર્મ કર્યું તે યાદગાર હતું.પોતાની સફળતા બાબત તેઓ જણાવે છે કે, "લગ્ન પહેલાં માતાનો સપોર્ટ હતો અને લગ્ન બાદ પતિએ ખૂબ સપોર્ટ કર્યો.

તેઓ બ્રાન્ચ હેડની પોસ્ટ પર હોવા છતાં કોઈ હેલ્પર વગર ઘરના બધા કામ મેનેજ કરે છે. વીકએન્ડમાં વીડિયો શૂટ કરવા,એડિટ કરવું,પીપીટી બનાવવી વગેરે બધા જ કામમાં તેઓનો ખૂબ સહયોગ મળે છે.” હું ધર્મમાં આસ્થા ધરાવું છું.દર અગિયારસે શ્રીનાથજીના કીર્તન,હોળીના રસિયા વગેરે રાખીએ છીએ. ભારતમાં હોય તો દર મહિને પૂનમ ભરવા નાથદ્વારા જાઉં છું, એ જ સંસ્કાર દીકરામાં પણ આવ્યા છે.તેઓને હજુ ભારતીય સંસ્કૃતિનો વિસ્તાર કરવાની ઈચ્છા છે.તેઓનું સ્વપ્ન હોંગકોંગમાં સ્ટુડિયો બનાવવાનું છે પૂર્વીબેનને ખૂબ ખુબ શુભેચ્છાઓ.....

નિષ્ફળતા સફળતાની ચાવી લઈને આવે છે
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે, "જીવનમાં ઉતાર-ચડાવ ખૂબ આવશે.અમુક ક્ષણે હિંમત હારી જઈએ એવું પણ બને છે પરંતુ એ ક્ષણ જ છે કે જે નવા રસ્તા ખોલી આપશે.જેમ દીવો બુઝાવવાના સમયે વધુ પ્રજ્જવલિત થાય છે તેમ નિષ્ફળતા સફળતાની ચાવી લઈને આવે છે.”

Advertisement
Tags :
Advertisement
Advertisement