For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગેનીબેન ઠાકોરની જીત….પુરુષાર્થ, દ્રઢ મનોબળ, બુલંદ આત્મવિશ્વાસની જીત

12:19 PM Jun 12, 2024 IST | Bhumika
ગેનીબેન ઠાકોરની જીત… પુરુષાર્થ  દ્રઢ મનોબળ  બુલંદ આત્મવિશ્વાસની જીત
Advertisement

1995માં પ્રથમ વાર અબાસણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીત મેળવીને રાજકારણમાં પ્રથમ પગલું માંડ્યું

જીત મેળવીને દિલ્હી દરબારમાં પહોંચેલ ગેનીબેને ખાસ ઉડાન માટે કરેલ વાતચીત અને લાગણી પ્રસ્તુત છે

Advertisement

તાજેતરના ચૂંટણી પરિણામોમાં ગુજરાતની એક બેઠકની જીત દ્વારા જીવનના અનેક પાઠ લોકોને શીખવા મળે છે. અહીંની બેઠકના કારણે અપ સેટ સર્જાયો છે.વિરોધ પક્ષો પણ આ બેઠકના ઉમેદવારની જીતને બિરદાવે છે. અશક્યને શક્ય કરનાર તેમજ કાંટાળી કેડીમાં પોતાની મઘમઘતી જીતનો માર્ગ કંડારનારા આ ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર.જ્યારે સહુ કોઈ આ બેઠકથી દૂર ભાગતા હતા ત્યારે ગેનીબેને સામેથી પક્ષ પાસે આ બેઠકની માગણી કરીને જીતી બતાવવાનો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો એટલું જ નહીં તેઓએ ખરેખર જીતીને લોકોના મોં પર જડબાતોડ જવાબ આપ્યો છે. આ જીત છે પુરુષાર્થની, આ જીત છે નારી શક્તિની, આ જીત છે બુલંદ આત્મવિશ્વાસની,આ જીત છે દ્રઢ મનોબળની.જીત મેળવીને ગેનીબેન દિલ્હી દરબારમાં પહોંચ્યા છે ત્યારે ઉડાન માટે દિલ્હીથી તેઓએ કરેલ વાતચીત અને તેમની લાગણી પ્રસ્તુત છે.

ગેનીબેનનો જન્મ બનાસકાંઠાના ભાભર તાલુકાના અબાસણા ગામમાં થયો હતો. ગેનીબેનના પિતા નગાજી ઠાકોર અને માતા મશુબેન ઠાકોર.પાંચ સંતાનોમાં દીકરી ગેનીબેન ભણવામાં તેજસ્વી અને બહિર્મુખી હતા. એ સમયે ગામમાં દીકરીને શાળાએ મોકલવાનું કોઈ ચલણ નહોતું છતાં માતા પિતાએ ગામ લોકોના વિરોધ વચ્ચે ગેનીબેનને ભણાવ્યા અને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું.

પોતાની રાજકીય કારકિર્દીના પ્રારંભ વિશે વાત કરતાં ગેનીબેન ઠાકોર જણાવ્યું હતું કે,‘પિતા નગાજી ઠાકોર વર્ષ 1977માં પ્રથમ વાર તાલુકા પંચાયતના સભ્ય બન્યા હતા. મેં 1995માં પ્રથમ વાર અબાસણા તાલુકા પંચાયતની સુથારની નેસડી સીટ પરથી ચૂંટણી લડીને જીત મેળવી એ મારું રાજકારણમાં પ્રથમ પગલું હતું. પ્રથમ વાર સભ્ય તરીકે ચૂંટાઇને તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનો મોકો મળ્યો.પિતાજીની ઇચ્છા હતી કે તેમનો રાજકારણનો વારસો હું આગળ ધપાવું એટલે તેમની સાથે દરેક નેતાને મળવા સાથે લઈ જતા’.

પોતાની જીત બાબત ગેનીબેને જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠાની જે જનતા આઝાદી ઇચ્છતી હતી, સાચી લોકશાહીના દર્શન કરવા માગતી હતી એ પ્રજા સ્વયંભૂ મતદાન માટે આગળ આવી છે.જીત પાર્ટી માટે, લોકો માટે છે’. જે વાયદા લોકોને કર્યા છે એ વાયદા તંત્રના માધ્યમથી પૂરા કરવા માટે મહેનત કરીશ અને લોકોને ન્યાય અપાવવાનો પ્રયાસ કરીશ.

પોતાની જીતના કારણો જણાવતા કહ્યું કે,‘મારી કામગીરી લોકો ઘણા વર્ષોથી જાણે છે. નાનામાં નાના લોકોના પ્રશ્નોને લઈને પણ અહીં કામગીરી થઈ છે ખાસ કરીને બહેનો આગળ આવે શિક્ષિત બને અને પગભર બને તેવી મારી ઈચ્છા છે. ચૂંટણીના સમયે લોકોને ઠાલા વચનો નહીં પરંતુ ઠોસ કામગીરી કરીને વિશ્વાસ જીતી શકાય છે. જ્યારે તમે લોકોના હૃદય સુધી પહોંચીને પ્રચાર કરો છો ત્યારે હંમેશા તે લોકોને સ્પર્શે છે. ચૂંટણી સમયે મેં જે નોટ અને વોટ માટે હાકલ કરી હતી તે લોકોના હૃદય સુધી પહોંચી અને બદલામાં તેઓએ વોટના ઢગલા કરી મને જીતાડી હતી. લોકોને આપેલા તમારા વચનો અમૂલ્ય હોય છે પરંતુ તેનો અમલ પણ થવો જરૂૂરી છે. મતદારોને અને પક્ષને મારા પર ભરોસો હતો કે અન્યાય સામે લડશે તેમજ લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવશે આમ તેમની તમામ અપેક્ષાઓ સંતોષાતા લોકોએ મત આપી પોતાની લાગણી વ્યક્ત કરી આ માટે હું દરેકનો દિલથી આભાર માનું છું’.

સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની ફક્ત એક બેઠક જીતીને ગેનીબેને અનેક લોકોના દિલ જીતી લીધા છે. ભારતીય જનતા પાર્ટીને પણ બોધપાઠ લેવા મજબૂર કરી છે ત્યારે ગેનીબેનનું સ્થાન પક્ષમાં પણ મહત્ત્વનું બન્યું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથેની મુલાકાત વચ્ચે તેઓએ ઉડાન માટે મુલાકાત આપી હતી.ભવિષ્યમાં લોકોના કામ કરી,લોકોની સેવા કરી, લોકોના હૃદયમાં પોતાનું સ્થાન મેળવવાનું સ્વપ્ન જોતા ગેનીબેન ઠાકોરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..

પરિશ્રમથી જ પારસમણિ જેવી સફળતા મળે છે
મહિલાઓને સંદેશ આપતા ગેનીબેને જણાવ્યું હતું કે પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી.પરિશ્રમથી જ પારસમણિ જેવી સફળતા મળે છે.ક્યારેય મહેનત કરવાથી ભાગો નહીં.મહિલાઓ શિક્ષિત બને, આત્મનિર્ભર બને તે જરૂરી છે.જીવનમાં ક્યારેય સંઘર્ષથી ડરો નહીં તેનો હિંમતપૂર્વક સામનો કરો.

રસપ્રદ રાજકીય કારકિર્દી

ગેનીબેન 1995થી રાજકારણમાં સક્રિય રહ્યા છે. પોતાના અંગત વિચારો નીડરતાપૂર્વક વ્યક્ત કરવામાં ગેનીબેને ક્યારેય પાછી પાની કરી નથી. વર્ષ 1995થી 2000 સુધી દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી હતી. 2003થી 2007 સુધી ભાભર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી હતી. વર્ષ 2008 થી 2013 સુધી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં હેલ્થ કમિટી અને સિંચાઇ કમિટીના ચેરમેન તરીકે સેવા આપી હતી. વર્ષ 2013થી 2017 સુધી ભાભર તાલુકા પંચાયતના સભ્ય તરીકે સેવા આપી. વર્ષ 2017થી વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વાવ બેઠક પરથી જીત મેળવી હતી.આ બધા વચ્ચે 2024ની જીત જાણે રાજકીય કારકિર્દીમાં માઈલ સ્ટોન સાબિત થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement