For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અહીંથી પાર્કિન્સનના દર્દીઓને મળે છે જીવન જીવવાનું જોમ

01:05 PM Apr 10, 2024 IST | Bhumika
અહીંથી પાર્કિન્સનના દર્દીઓને મળે છે જીવન જીવવાનું જોમ
  • આવતીકાલે વિશ્વ પાર્કિન્સન દિવસ
  • BKP PDMDSમાં નિ:શુલ્ક ફિઝિયોથેરાપી સ્પીચ, થેરાપી કોગ્નિટિવ,ઓક્યુપેશનલ ડાન્સ, આર્ટ, ક્રાફ્ટ સાયકોલોજિકલ કાઉન્સિલિંગ વગેરે નિ:શુલ્ક કરાવવામાં આવે છે
  • પાર્કિન્સન દર્દીઓના સ્વજન બની સમજણ અને સારવાર આપે છે ડો.નમ્રતા ચાવડા

કોઈ વ્યક્તિ હાલતા ચાલતા સામાન્ય જિંદગી જીવતું હોય, ખાઈ પી અને મોજ કરતું હોય અને એવામાં શરીરનું કોઈ એક અંગ સતત ધ્રુજવાની બીમારીમાં સપડાઈ જાય તો શું સ્થિતિ થાય? અને ફક્ત એક અંગ જ નહીં ધીમે ધીમે બીજા અંગો પણ ધ્રુજવા લાગે આવી કંંપવાની બીમારી આવે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે.શારીરિક બીમારી સાથે માનસિક સંતુલન પણ ખોરવાઈ જાય છે. દેખીતી રીતે કોઈ ગંભીર બીમારી ન જણાવા છતાં આ બીમારીના કારણે ગંભીર પ્રશ્નો ચોક્કસ સર્જાતા હોય છે પરંતુ જો અમુક બાબતનો ખ્યાલ રાખવામાં આવે તો ચોક્કસ આ બીમારીની સાથે પણ સરસ મજાનું જીવન જીવી શકાય છે. આ બીમારી એટલે કંપવા એટલે કે પાર્કિન્સન રોગ. આવતીકાલે વિશ્વ પાર્કિન્સન દિવસ છે ત્યારે આ રોગના દર્દીઓ માટે છેલ્લા સાત વર્ષથી કાર્યરત ડો.નમ્રતા ચાવડાની કામગીરી જાણવા જેવી છે.
ફિઝિયોથેરાપીસ્ટ ડો.નમ્રતા ચાવડાનો જન્મ રીબડા ખાતે મઘ્યમ વર્ગીય પરિવારમાં થયો. પિતાજી ક્લાર્ક હતા અને માતા જેતપુર ખાતે શિક્ષિકાની ફરજ બજાવતા.બંનેની નોકરીના કારણે ત્રણ વર્ષની ઉંમરથી જ પોતાના કામ જાતે કરવા ટેવાયેલા હતા.

Advertisement

તેઓ જણાવે છે કે,‘માતા-પિતાએ અમારું બાળપણ જોયેલ નથી અને અમે પણ એ પ્રેમથી વંચિત રહ્યા છીએ. સંજોગોના કારણે કોઈ વસ્તુ જીદ કરીને માગી નથી’. રાજકોટ આવ્યા બાદ સંગીત, નૃત્ય, ટ્રેકિંગ વગેરેમાં રસ લીધો.બાળપણથી જ અનેક સંઘર્ષોને સાથી બનાવનાર નમ્રતાબેનના દાદીને કોબ્રા કરડતા કોમામાં સરી પડ્યા હતા અને તેને જોઈને મેડિકલ લાઈનમાં જવાની ઈચ્છા મજબૂત બની.રાજકોટના કે.કે.શેઠ ફિઝિયોથેરાપી કોલેજમાં સાડા ચાર વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો.ઇન્ટર્નશિપ કરી. અનેક જગ્યાએ સેવાઓ આપી તથા પર્સનલી પણ ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ આપવા જતાં .આ સમય દરમિયાન રાજકોટમાં સ્થપાયેલ બળવંત કે.પારેખ પાર્કિન્સન ડીસીસ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટીની જાણ થઈ.જાણે કુદરતે સામેથી સેવાનો મોકો આપ્યો જે નમ્રતાબેને ઝડપી લીધો. આજે તેઓ આ સંસ્થામાં કોઓર્ડિનેટર કમ ફિઝિયોથેરાપિસ્ટની કામગીરી બજાવે છે.

આ સંસ્થા વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ‘આ સંસ્થામાં કંપવાના દર્દી તેમજ તેમના સગા-વ્હાલાઓ માટે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી સ્પીચ, થેરાપી કોગ્નિટિવ ઓક્યુપેશનલ ડાન્સ, આર્ટ, ક્રાફ્ટ, સાયકોલોજિકલ કાઉન્સિલિંગ વગેરે કરાવવામાં આવે છે. દર્દીને શરૂઆતમાં ધ્રુજારી, જકડામણ અને પહેલાં કરતા રોજિંદુ કામકાજ ધીમું થવું એવા લક્ષણો જોવા મળે છે સમય જતાં પગ ચોંટી જવા, બેલેન્સમાં ગરબડ, ચાલવામાં તકલીફ, મોઢાના હાવભાવ લાગણી દર્શાવવી બોલવામાં તકલીફ, સુગંધ પારખવામાં તકલીફ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આ સિવાય ચિંતા, ઉદાસી, ઊંઘમાં તકલીફ, આભાસ થવો, કબજિયાત વગેરે તકલીફોનો સામનો કરવો પડે છે.આ બધી તકલીફો સામે તકલીફ વગર જીવન કંઈ રીતે જીવવું તેની અહીં સમજ આપવામાં આવે છે.’

Advertisement

હાલ નમ્રતાબેન ફિઝિયોથેરાપીની પ્રેક્ટિસ સાથે નિયમિત રીતે આ દર્દીઓના સ્વજન બની તેમને સમજણ અને સારવાર આપે છે. નમ્રતાબેન જણાવે છે કે આ દર્દીઓ સાથે કામ કરીને જીવનનો એક સંતોષ મળે છે અને જાણે જિંદગીને એક મંઝિલ મળી ગઈ હોય તેવો અનુભવ થાય છે. આ દર્દીઓ માટે જ તેઓ ભવિષ્યમાં વધુ કામગીરી કરવા માગે છે. તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા.વધુ માહિતી માટે 83206 45080 આ નંબર પર સંપર્ક કરી શકો છો.

કોઈપણ સંજોગો સામે હાર ન માને એ જ નારી શક્તિ
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે જ્યારે પરિવારના કોઈ સ્વજન પાર્કિન્સન રોગથી પીડાતા હોય ત્યારે જે મહિલા સભ્યો હોય તેણે ધીરજ રાખવી અને ખૂબ સમજણપૂર્વક તેમની સાથે વર્તન કરવું જોઈએ. બહેનો કોઈપણ કામ ધીરજ, ખંતપૂર્વક અને મહેનતથી કરે તેવું ઈશ્વરે તેમને વરદાન આપ્યું છે તેથી કોઈપણ કામમાં તે હાર માનતી નથી.

શા માટે થાય છે પાર્કિન્સન રોગ?
પાર્કિન્સન રોગ વિશ્વભરમાં લાખો લોકોને અસર કરતો ડિજનરેટિવ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. આપણા શરીરને ઉપયોગી એવું એક મગજનું રસાયણ - ડોપામાઈનને રિલીઝ કરતા મગજના કોષો અમુક કારણસર નાશ પામવાના કારણે શરીરના જુદા જુદા અવયવોને અસર કરે છે. આ રોગના લક્ષણોને મુખ્યત્વે બે ભાગમાં જુદા પાડી શકાય છે. Motor (હલનચલનને લગતા) લક્ષણો કે જેમાં ધ્રુજારી, સ્નાયુમાં જકડન, હલન ચલન ધીમી થવી, સમતોલનમાં તકલીફ થવીનો સમાવેશ થાય છે. બીજા પ્રકારના લક્ષણોને Non-Motorકહેવાય છે. જેમાં કબજિયાત, વિચાર શક્તિ અને મૂડમાં ફેરફાર થવો, સેક્સ્યૂઅલ પ્રોબ્લેમ્સ. દુખાવો, ઊંઘમાં તકલીફ થવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

‘સંગાથે સહુ આગળ વધીએ’ના સૂત્ર સાથે જાગૃતતા લાવે છે BKP PDMDS
બળવંત કે.પારેખ પાર્કિન્સન ડિસીસ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી એટલે કે  BKP PDMDS સંસ્થા 2015થી કંપવાના દર્દીઓ માટે કાર્યરત છે.ગુજરાત ખાતે રાજકોટ સહિત 14 જેટલા સેન્ટર કાર્યરત છે. જે નિ:શુલ્કં કંપવા દર્દી અને તેમના સગાઓ માટે ઓનલાઇન અને ઓફલાઈન સુવિધા પૂરી પાડે છે. ‘સંગાથે સહુ આગળ વધીએ’ના સૂત્ર સાથે લોકોમાં જાગરૂકતા વધારે છે. રાજકોટ ખાતે છેલ્લા 9 વર્ષથી સર લાખાજીરાજ લાઈબ્રેરી ખાતે BKP PDMDS ફ્રી સેવા દર શનિવારે સાંજે 4-6 વાગે ગ્રુપ થેરાપી દ્વારા કંપવાના દર્દી અને તેમના સગા-વ્હાલાને ડોક્ટરોની મદદ વડે થેરાપી અને માર્ગદર્શન આપવામાં આવે છે. આવતીકાલે આ દિવસની ઉજવણી દર્દી ડાન્સ કરી ઉજવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement