For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોપારીની ડિલિવરી કરવા ગયેલા ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર સાથે છેતરપિંડી : 4 બોરી ઉતારી શખ્સ રફુચક્કર

04:20 PM Dec 29, 2023 IST | Bhumika
સોપારીની ડિલિવરી કરવા ગયેલા ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર સાથે છેતરપિંડી   4 બોરી ઉતારી શખ્સ રફુચક્કર

શહેરમાં ટ્રાન્સપોર્ટ પેઢીમાં કામ કરતો ડ્રાઈવર માધાપર ચોકડી પાસે સોપારીની ડિલીવરી કરવા ગયા બાદ અજાણ્યા શખ્સે ચાર બોરી ઉતારી લઈ બાદમાં બે બોરી ઓફિસે ઉતારવાની છે ત્યાંથી તેમને પેમેન્ટ મળી જશે તેમ કહી ગાડીમાં સાથે બેસી ગયા બાદ રસ્તામાં ચા પીવા માટે ગાડી ઉભી રખાવી બાથરૂમ કરવાનું બહાનું કાઢી રફફુચકર થઈ ગયો હતો જેથી ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરે રૂા.86,333 છેતરપીંડી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવતાં ગાંધીગ્રામ પોલીસે અજાણ્યા બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ભગવતીપરામાં વિનોબાભાવે ટાઉનશીપમાં રહેતાં અને બાપુનગરમાં આવેલા એસ.કે.ટ્રાન્સપોર્ટ નામની પેઢીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં જાહીદ મુસાભાઈ ચૌહાણ (ઉ.45)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના ટ્રાન્સપોર્ટમાં સુરતથી સોપારીનો માલ આવેલ હોય જે સોપારી તેમના મેતાજીએ તેમને ડિલીવરી કરવા માટે માધાપર ચોકડી પાસે જવાનું કહી ડિલીવરી જેને આપવાની હતી તેનો નંબર આપેલો હતો. જેથી તે ગાડી લઈ માધાપર ચોકડી પાસે ગયો હતો અને ત્યાંથી જે નંબર આપેલો તેમાં ફોન કરતાં તેને જામનગર રોડ પર નાગેશ્ર્વર પાસે આવેલા કોમ્પલેક્ષમાં તેનો માણસ બ્લુ શર્ટ પહેરી ઉભો હોય તેને માલ ડિલીવર કરવાનું કહ્યું હતું. જેથી ફરિયાદી ત્યાં જતાં બ્લુ કલરનો શર્ટ પહેરેલો શખ્સ ત્યાં ઉભો હોય તેણે ગાડીમાંથી સોપારીની ચાર બોરી કોમ્પલેક્ષમાં ઉતરાવી હતી અને બે બોરી રામાપીર ચોકડી પાસે ઓફિસે ઉતારવાની છે જ્યાંથી તેમને પેમેન્ટ મળી જશે તેમ કહ્યા બાદ તે શખ્સ ગાડીમાં સાથે બેસી ગયો હતો. ત્યારબાદ જામનગર રોડ પર યુનિકેર હોસ્પિટલ પાસે પહોંચતા તે શખ્સે ચા પાણી પીવાનું કહી ગાડી ઉભી રખાવી હતી અને હું બાથરૂમ જતો આવું તેમ કહી તે શખ્સ ગયા બાદ લાંબો સમય થવા જતાં પરત ન આવતાં ફરિયાદીએ શોધખોળ કરી હતી. પરંતુ તે શખ્સ રફફુચક્કર થઈ ગયો હતો. ટ્રાન્સપોર્ટમાં આવેલી સોપારીના પૈસા પણ તે શખ્સ પાસેથી લેવાના બાકી હોય જેથી તેમણે તેના મેતાજીને ફોન કરી જાણ કરી હતી અને જે સ્થળે ચાર બોરી ઉતારી હતી ત્યાં જતાં ઉતારેલી સોપારી પણ જોવા મળી ન હતી. જેથી તેમની સાથે છેતરપીંડી થયાનું જણાતા તેઓ પોલીસ મથકે દોડી ગયા હતાં. આ અંગે પોલીસે ફોનધારક અને તેના માણસ વિરૂધ્ધ કાવતરું રચી છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધી પીએસઆઈ એન.વી.હરિયાણીએ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement