ધરતીમાંથી સોનાના દાગીના-સિક્કા મળ્યાનું જણાવી બિલ્ડર સાથે રૂા.14 લાખની ઠગાઇ
- ભાવનગરના બિલ્ડરને મળવા બોલાવી સોનાનું સાચુ મોતી આપી શીશામાં ઉતાર્યા: નકલી માળા પધરાવી બે ગઠિયા ફરાર
જમીનમાંથી સોનાની માળા મળી હોવાનું જણાવી ભાવનગરના બિલ્ડરને સસ્તામાં સોનાના દાગીના આપવાની લાલચ આપી મળવા બોલાવી 14 લાખ મેળવી બદલામાં સોનાની માળાના બદલે ખોટી માળા પધરાવી દઇ ચીટીંગ કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
ભાવનગરમાં રહેતા એક બિલ્ડરના ઘરે બે લોકો આવ્યા હતા. આ લોકો એક સંસ્થા માટે ફાળો ઉઘરાવવા આવ્યા હોવાનું કહીને બિલ્ડરનો નંબર લઇને જતા રહ્યા હતા. બાદમાં બિલ્ડરને ફોન કરીને ધરતીમાંથી માળા મળી હોવાનું કહીને તેમને મળવા બોલાવ્યા હતા. બિલ્ડરે તે માળા 14 લાખમાં ખરીદી અને બાદમાં સોનીને બતાવતા તે ખોટી નીકળી હતી. જે મામલે ધંધુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં રહેતા રાજેશભાઇ ચૌહાણ ક્ધસ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા છે. ગત તારીખ 2 માર્ચે તેમના ઘરે બે માણસો સંસ્થામાંથી ફાળો ઉઘરાવવા આવ્યા હોવાનું કહીને આવ્યા હતા. જૂના કપડાં અને રાજેશભાઇનો ફોન નંબર લઇને બંને ત્યાંથી નીકળી ગયા હતા. ત્યાર બાદ રાજેશભાઇને કોઇ અજાણ્યા નંબર પરથી ફોન કરીને આ શખ્સોએ ધરતીમાંથી કંઇક મળ્યું હોવાનું કહીને રાજેશભાઇને બોલાવ્યા હતા. રાજેશભાઇ મળવા ગયા ત્યારે આ શખ્સોએ તેમને આશ્રમમાં કામ ચાલતુ હતુ ત્યારે પથ્થર નીચેથી સિક્કા અને દાગીના મળ્યા હોવાનું કહીને આગળ વાત કરી હતી.
બાદમાં બંને ગઠિયાઓએ એક માળા બતાવતા રાજેશભાઇએ એક ટુકડો સોનીને બતાવતા તે મોતી સોનાનો હોવાની સોનીએ ખરાઇ કરી હતી. બાદમાં આ બંને શખ્સોએ થોડા દિવસ પછી રાજેશભાઇને ફોન કરીને 15 લાખ લઇ આવવાનું કહીને બોલાવ્યા હતા. જેથી રાજેશભાઇ માળા ખરીદવા 14 લાખ લઇને ધંધુકા બસસ્ટેન્ડ પહોંચ્યા હતા. ત્યાં શખ્સોને 14 લાખ આપીને માળા ખરીદી સોનીને બતાવતા ખોટી નીકળી હતી. જેથી આ મામલે ધંધુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, આ પ્રકારની ઘટના પ્રથમ વાર નથી બની આ પેહલા પણ આવી રીતે અનેક લોકો ને છેતરવામાં આવ્યા છે અને જેમાં નકલી સોનું આપી દેવામાં આવ્યું છે અને જે મામલે અનેક ગેંગની ધરપકડ પણ થઈ ચૂકી છે.