For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અસ્થિર મગજના યુવકને પિતા-ભાઈએ મોતને ઘાટ ઉતારી અંતિમ વિધિ કરી નાખી

01:35 PM May 02, 2024 IST | Bhumika
અસ્થિર મગજના યુવકને પિતા ભાઈએ મોતને ઘાટ ઉતારી અંતિમ વિધિ કરી નાખી
Advertisement

ગોંડલના મોટી ખીલોરી ગામની ઘટના : વહેલી સવારે જમવા બાબતે ઝઘડો કરતા પુત્રને માથામાં બેલુ ફટકારી પતાવી દીધો : અગાશી પરથી પડી ગયો હોવાનું જણાવી અંતિમ વિધિ કરી નાખી

Advertisement

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે અસ્થિર મગજના યુવાને વહેલી સવારે જમવા બાબતે પિતા સાથે ઝઘડો કરી પિતાને માર મારવા લાગ્યો હતો. આ વખતે ભાઈ વચ્ચે પડતા ઝઘડો થયો હતો અને આવેશમાં આવીને પિતા-પુત્રએ અસ્થિર મગજના યુવકને ધક્કો મારી પછાડી દઈ માથામાં બેલુ મારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ યુવક અકસ્માતે અગાશી પરથી પડી જતાં મૃત્યુપામ્યું હોવાનું ગ્રામ લોકોને જણાવી અંતિમ વિધિ કરી નાખી હતી બાદમાં આ બનાવની ગામમાં તરાહ તરાહની વાતો વહેતી થતાં પોલીસે તપાસ કરી સરપંચની ફરિયાદ પરથી પિતા-પુત્ર સામે હત્યા અને પુરાવાના નાશનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના મોટી ખીલોરી ગામના સરપંચ પરસોતમભાઈ વલ્લભભાઈ ચોવટિયા ઉ.વ.74એ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મોટી ખીલોરી ગામના બાબુભાઈ બાવાભાઈ સોરઠિયા અને તેનો પુત્ર હસમુખ બાબુભાઈ સોરઠિયાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મોટી ખીલોરી ગામના બાબુભાઈ સોરઠિયાનો પુત્ર હરેશ ઉર્ફે રામો અસ્થિર મગજનો હોય આવર નવાર પરિવારજનો સાથે ઝઘડા કરતો હતો ગત તા. 30-4-24ના રોજ બાબુભાઈ સોરઠિયા પોતાના ગામના હરેશભાઈ જાદવની વાડીએ મજુરી કામે ગયા હતા અને તેમનો અસ્થિર મગજનો પુત્ર હરેશ ઉર્ફે રામો પણ સાથે ગયો હતો રાત્રીના પિતા-પુત્ર હરેશભાઈની વાડીએ જસુઈ ગયા હતા.

વહેલી સવારે પાંચેક વાગ્યે પુત્ર હરેશ ઉર્ફે રામો જાગીને ઘરે જવા નિકળતા પિતા બાબુભાઈ પણ તેની સાથે ઘરે પહોંચ્યા હતા. ઘરે આવેલા પુત્રએ જમવાનું બનાવવાનું કહેતા પિતાએ તારી માતા અને બહેનો સુતી છે તેને જગાડવી નથી. માતા-બહેન જાગશે ત્યારે તને જમવાનું બનાવી દેશે તેમ કહેતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતા બાબુભાઈ પર હુમલો કરી મારમારવા લાગ્યો હતો.

પિતા-પુત્ર વચ્ચે ઘરના ફળિયામાં જ ઝઘડો થતાં ઘરે સુતેલા પુત્ર હસમુખ જાગી ગયો હતો અને તોફાને ચડેલા પોતાના ભાઈને રોકવા જતાં હરેશ ઉર્ફે રામાએ ભાઈને પણ બટકુ ભરી લેતા ધક્કો મારી પછાડી દીધો હતો આ વખતે ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ ઘરમાં પડેલ બેલુ ઉપાડી તોફાન કરતા હરેશના માથામાં ઝીકી દેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

અસ્થિર મગજના યુવકની હત્યા કર્યા બાદ પિતા-પુત્રએ માતા-બહેન અને પરિવારને જગાડી હરેશ ઉર્ફે રામો અગાશી પરથી પડી જતા માથુ ફાટી જવાના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું કહ્યું હતું અને પરિવારજનોની મદદથી યુવકની અંતિમ વિધિ પણ તાબડતોબ કરી નાખી હતી. આ બનાવની ગામમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ હતી અને અસ્થિ મગજના યુવકનું અકસ્માતે મોત નહીં પરંતુ હત્યા કરવામાં આવી હોવાની વાત વહેતી થઈ હતી અને કોઈએ પોલીસને જાણ કરતા સુલતાનપુરના પીએસઆઈ આર.જે. જાડેજા સહિતનો સ્ટાફ મોટી ખીલોરી ગામે દોડી જઈ જીણવટભરી પુછપરછ કરતા હત્યાની ઘટના સામે આવી હતી.

પોલીસે આ ઘટના સંદર્ભે પિતા-પુત્ર સામે હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

સરપંચે પૂછપરછ કરતા પિતાએ સત્ય સ્ટોરી જણાવી
ગોંડલના મોટી ખીલોરી ગામે રહેતા અસ્થિર મગજના યુવકનું અકસ્માતે મોત નહીં પરંતુ હત્યા કરવામાં આવી હોવાની ગામમાં વાતો વહેતી થતાં ગામના સરપંચ પરસોતમભાઈ ચોવટિયાએ બનાવ શું છે તે જાણવા અસ્થિર મગજના યુવકના પિતા બાબુભાઈ બાવાભાઈ સોરઠિયાની પુછપરછ કરતા બાબુભાઈએ સરપંચ સમક્ષ સત્ય સ્ટોરી જણાવી પોતે અને પોતાના પુત્રએ જ હત્યા કરીને બનાવને અકસ્માતમાં ખપાવી દઈ અંતિમ વિધિ કરી નાખી હોવાનું જણાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement