દ્વારકા જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો: વધુ 4 ઝબ્બે
દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર દેશના જુદા જુદા રાજ્યમાંથી શ્રમિકો સહિતના લોકોનો મુકામ રહે છે. ત્યારે જિલ્લામાં અનઅધિકૃત રીતે અને ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો સામે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા કડક હાથે કાર્યવાહી કરવા સ્થાનિક પોલીસને સૂચના આપવામાં આવી છે. જેમાં તાજેતરમાં દ્વારકા, બેટ દ્વારકા, ભરાણા વિગેરે વિસ્તારોમાંથી ઝડપાયેલા ઘોડા ડોક્ટરો બાદ પોલીસ દ્વારા જારી રાખવામાં આવેલી કાર્યવાહીમાં વધુ ચાર શખ્સો ઝડપાયા છે.
ભાણવડ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ભાણવડના પી.આઈ. કે.બી. રાજવી તેમજ પી.એસ.આઈ. પી.એમ. ગોરફાડની ટીમ દ્વારા બુધવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન મોડપર ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાંથી રાણાવાવ (જી. પોરબંદર)ના રહીશ અહેમદ હુસેન ધડા નામના 52 વર્ષના મુસ્લિમ શખ્સને ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
અન્ય એક કાર્યવાહીમાં રાજકોટ જિલ્લાના જેતપુર તાબેના પેઢલા ગામના રહીશ મોહમ્મદ શકીર ઉમર ધડા નામના 42 નામના શખ્સને પણ ડિગ્રી વગર સારવાર કરતા પોલીસે ઝડપી લઇ, દવાઓ સહિતના જુદા-જુદા તબીબી સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. ભાણવડ તાબેના રૂૂપામોરા ગામેથી જયેશ બાબુ રામ કબીર નામનો 52 વર્ષનો આજે જામ રોજીવાડા ગામે મેડિકલ પ્રેક્ટિસ માટેની ડીગ્રી ન ધરાવતો હોવા છતાં ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરતા પોલીસે મુદામાલ સાથે ઝડપી લીધો હતો.
એસ.ઓ.જી. પોલીસે મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાંથી મામદ ખમીસા બોલીમ નામના 57 વર્ષના શખ્સને ડિગ્રી વગર દર્દીઓને તપાસી ઈલાજ કરતાં ઝડપી લઈ, પોલીસે આ તમામ શખ્સો સામે મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરી હતી. પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં નીકળી પડેલા ઘોડા ડોક્ટરોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.