For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડના મોટા ભાડુકિયામાં છેતરપિંડી પર પોલીસનો ઢાંક પિછોડો ?

12:34 PM Apr 09, 2024 IST | Bhumika
કાલાવડના મોટા ભાડુકિયામાં છેતરપિંડી પર પોલીસનો ઢાંક પિછોડો
  • ગોંડલની વેપારી પેઢીના પઢાવેલા ગોધરિયા પોપટ ટ્રક ભરાઈ વખતે તોલમાપમાં છેતરપિંડીમાં ઝડપાઈ જતાં ખેડૂતોએ મેથીપાક ચખાડયો: બબાલ દરમિયાન પોલીસની એન્ટ્રીની ચર્ચા અને અંતે રૂ.3 લાખમાં પ્રકરણનું ફીંડલું વળી ગયું: સમગ્ર કાલાવડ પંથક સહિત જિલ્લાભરમાં ચર્ચાતું પ્રકરણ...

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયામાં ખેડૂતો પાસેથી કપાસ ખરીદી રહેલી ગોંડલની એક વેપારી પેઢીના માણસોએ કપાસ જોખતી વખતે કરેલી છેતરપિંડી ઝડપાઈ જતાં મોટી બબાલ મચી ગઈ હતી. આ પ્રકરણમાં પેઢીના પઢાવેલા પોપટોને ખેડૂતોએ મેથીપાક પણ ચખાડયો હતો અને આ બબાલ દરમિયાન ગામલોકોના કહેવા પ્રમાણે પોલીસકર્મીઓ પણ આવી પહોંચ્યા હતાં. આ મામલામાં અંતે સમાધાન થયાની ચર્ચાઓ છે. સમાધાનમાં રૂૂ. 3 લાખની લેતીદેતી થઈ હોવાનું પણ કહેવાય છે. આ બનાવે કાલાવડ પંથક સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર અને ચર્ચાઓ ફેલાવી છે.

Advertisement

આ પ્રકરણની મોટા ભાડુકિયા તથા કાલાવડ પંથકમાં થતી ચર્ચાઓમાં એવું જાણવા મળે છે કે, ગોંડલની કોઈ વેપારી પેઢીનો ટ્રક અને આ પેઢીના માણસો એક દલાલ મારફતે મોટા ભાડુકિયા ગામમાં ખેડૂતો પાસેથી ઘરે બેઠાં કપાસ ખરીદવા આવેલાં. આ ખરીદી દરમિયાન પેઢીના પઢાવેલા પોપટો તોલમાપ કરીને કપાસની ભારીઓ ટ્રકમાં ચઢાવી રહ્યા હતાં, આ તોલમાપ કરનારાઓ ગોધરીયા હોવાનું બહાર આવ્યું છે. તોલમાપ વખતે આ શખ્સો એક એક ભારીએ 4 કિલો વધારાનો કપાસ ગુપચાવી લઈ કપાસ વેચનાર ખેડૂતો સાથે છેતરપિંડીઓ કરી રહ્યા હતાં. આ ગોધરીયા પૈકીનો એક શખ્સ આ ગોલમાલ કરતો ઝડપાઈ જતાં, ખેડૂતો અને આ વેપારી પેઢીના આ પોપટો વચ્ચે મોટી બબાલ થઈ હતી. ગ્રામજનોએ આ શખ્સને ધોલધપાટ કરતાં તેણે ભારીએ 4 કિલોના ગોલમાલ કર્યાનો ગુનો કબૂલી લીધો હતો. આ બનાવને કારણે મોટા ભાડુકિયા સહિત કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાત વાયુવેગે ફેલાઈ જતાં, બબાલ દરમિયાન કાલાવડ પોલીસ પણ આવી પહોંચી હોવાનું ગ્રામજનોની ચર્ચાઓમાં જાણવા મળે છે.

ગ્રામજનોની ચર્ચાઓ મુજબ, 3 પોલીસકર્મીઓ બનાવના સ્થળે જિપ લઈને પહોંચી ગયા હતાં. આખરે સમજાવટને અંતે આ વેપારી પેઢીના પઢાવેલા પોપટોએ જે.ડી.કોટન નામની પેઢીના દલાલ નૈમિષભાઈ ઉર્ફે ભોલાભાઈ સાથે વાતચીત કરીને આખો મામલો પોલીસની મધ્યસ્થી વડે રૂૂ. 3 લાખમાં સૂલટાવી લીધો હોવાની પણ ચર્ચાઓ છે. વેપારી પેઢીએ પોતાની આ કારીગરી જાહેર ન થઈ જાય તે માટે આ સમાધાન કરેલું પરંતુ એ દરમિયાન સમગ્ર મામલાના એક કરતાં વધારે વીડિયોઝ વાયરલ થઈ જતાં આ આખો મામલો હાલ કાલાવડ સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાઓમાં છે.

Advertisement

આ ચકચારી પ્રકરણમાં એમ પણ માનવામાં આવે છે કે, કાલાવડ તાલુકાના જ નપાણિયા ખીજડીયા ગામના હરેશ ભાલારા અને નિકુંજ ગઢીયા નામના અન્ય બે શખ્સોએ પણ આ આખા કાંડમાં કોઈ વિશેષ ભૂમિકાઓ ભજવી હતી. જો કે એમની ભૂમિકાઓ સ્પષ્ટ થઈ નથી. સામાન્ય રીતે એક ટ્રકમાં 250 ભારી જેટલો કપાસ ભરાતો હોય છે, ભારીએ 4 કિલોની છેતરપિંડી લેખે એક ટ્રકમાં એકાદ હજાર કિલોની ઘટ એટલે કે હાલના ભાવ પ્રમાણે ખેડૂતોએ અંદાજે રૂૂ. 70,000 જેટલી નુકસાની સહન કરવાનો વારો આવે શકે. આ આખા પ્રકરણને હાલ તો વેપારી પેઢીએ દબાવી દીધાંનું મનાય છે પણ વીડિયોઝ વાયરલ થતાં આ મામલો જાહેર થઈ ગયો છે. અન્ય ગામોમાં પણ આ પ્રકારની પ્રવૃતિઓ હાલ કપાસ ખરીદીમાં થતી હોવાનું નકારી શકાય નહીં.

સ્થાનિક PSI પરમાર કહે છે કે...
કાલે સોમવારે સાંજે આ પ્રકરણમાં મોટા ભાડુકિયામાં ખરેખર શું બન્યું અને સમગ્ર મામલામાં પોલીસની ભૂમિકા અંગે સત્તાવાર જાણકારીઓ મેળવવા સ્થાનિક પીએસઆઇ પરમારનો સંપર્ક પજામનગર મિરર પ દ્વારા સાધવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આવો કોઈ બનાવ ધ્યાન પર આવ્યો નથી પરંતુ આ અંગે જાણકારીઓ મેળવી, ત્યારબાદ મામલા વિષે કાંઈ કહી શકું. મામલાની તપાસ કરાવી લઉં....

Advertisement
Tags :
Advertisement
Advertisement