ધ્રાંગધ્રામાં અંગત અદાવતનો ખાર રાખી છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
ધ્રાંગધ્રા શહેરમાં અંગત અદાવતમાં એક મિત્રએ બીજા મિત્રની છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના મોચીવાડ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય શાહરુખભાઈ મોવરની તેમના જ મિત્ર આરીફ રસુલભાઈએ ધોરીધાર વિસ્તારમાં હત્યા કરી હતી.પ્રાથમિક માહિતી અનુસાર, શાહરુખભાઈ અને આરીફ રસુલભાઈ વચ્ચે ધોરીધાર વિસ્તારમાં કોઈ બાબતે માથાકૂટ થઈ હતી.
આ માથાકૂટ ઉગ્ર બનતા આરીફ રસુલભાઈએ શાહરુખભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં શાહરુખ ભાઈને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતા ડીવાયએસપી જે.ડી. પુરોહિત સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ધ્રાંગધ્રા શહેરમાં તહેવારો દરમિયાન અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે. ગત દિવાળી પર્વ પર પણ સામાન્ય બાબતે ફાયરિંગ જેવી માથાકૂટ સર્જાઈ હતી.