પોરબંદરના ભડ ગામે યુવાન ઉપર એસિડ એટેક કરી કુહાડી વડે હુમલો
પોરબંદરના ભડ ગામે રહેતા યુવાન સાથે મહિલા સહિત બે શખ્સે ઝઘડો કરી કુહાડી વડે માર માર્યો હતો. યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સેવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પોરબંદરના ભડ ગામે રહેતા જીતેન્દ્રભાઈ હીરાભાઈ મોકરીયા નામનો 32 વર્ષનો યુવાન ગત તા.27 ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં આવેલા તળાવ પાસે હતો ત્યારે મંજુબેન અને વિજય નામના શખ્સે ઝઘડો કરી એસીડ એટેક કર્યો હતો અને બાદમાં બંનેએ કુહાડા વડે માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટ નજીક શાપર વેરાવળમાં આવેલા શિવનગરમાં રહેતી આશાબેન બીપીનભાઈ ચુડાસમા નામની 35 વર્ષની પરિણીતા સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.