મીઠાપુરના સૂરજકરાડી ગામે લોન ભરવા બાબતે યુવાન પર હુમલો: મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ઈમરાનભાઈ ઈશાકભાઈ થૈયમ નામના 30 વર્ષના યુવાનને પૈસાની જરૂૂર પડતા તેમણે આરંભડા વિસ્તારમાં રહેતા રેશમાબેન મંગાભાઈ બોલીમના નામથી એચડીએફસી બેન્કમાંથી લોન લીધી હતી. જે લોનના હપ્તા તેઓ દર મહિને ભરતા હતા.
આ લોન પૂરી કરવા માટે ફરિયાદી ઈમરાનભાઈએ રેશમાબેનને રૂૂ. 50,000 આપ્યા હતા. પરંતુ તેમણે આ લોનની રકમ ભરી ન હતી. જેથી ફરિયાદી ઈમરાનભાઈના પત્ની સબાનાબેનએ તેણીને લોનના હપ્તા ભરી આપવાનું કહેતા આ બાબતે રેસમાબેને સબાનાબેનને લોનના હપ્તા નથી ભરવા તેમ કહી, રેશમાબેન ઉપરાંત અન્ય બે આરોપીઓ સિદ્દીક મંગાભાઈ બોલીમ અને ભારાભા રણજીતભા સુમણીયાએ બિભત્સ ગાળો કાઢી, હાથ-પગ ભાંગી નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ સમગ્ર મામલે મીઠાપુર પોલીસ મથકમાં મહિલા સહિત ત્રણેય આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ટ્રેલરની અડફેટે યુવાન ઈજાગ્રસ્ત
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા ક્રિપાલસિંહ ચંદ્રસિંહ રાઠોડ નામના 23 વર્ષના યુવાન ગત તારીખ 13 ના રોજ અત્રેથી આશરે 25 કિલોમીટર દૂર નવી ફોટ ગામ નજીકથી તેમના બોલેરો વાહનમાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 12 ઝેડ 4825 નંબરના એક ટ્રેલરના ચાલકે તેમની સાથે અકસ્માત સર્જીને તેમને તથા તેમની સાથે જઈ રહેલા સાહેદ રમેશભાઈને પણ ઇજાઓ કરી, નાસી છૂટતા આ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે અંગે વધુ તપાસ એ.એસ.આઈ. જયપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.
જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
ભાણવડથી આશરે 16 કિલોમીટર દૂર શિવા ગામેથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા અરભમ કેશુ કારાવદરા, અરભમ રામ મોઢવાડિયા અને નિલેશ નાથાભાઈ ભુતીયા નામના ત્રણ શખ્સોને રૂૂપિયા 61,800 ની રોકડ રકમ તથા મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી કુલ રૂૂપિયા 1,01,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન રાજન નાગાજણ ઓડેદરા, યુવરાજસિંહ ઉર્ફે ફોજી બાલુભા જાડેજા, દેવસી લાખણશી ઓડેદરા અને અન્ય 6 અજાણ્યા શખ્સો નાસી છુટ્યા હતા. જે અંગે ભાણવડ પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
