મોરબીમાં પ્રેમપ્રકરણમાં મદદગારીનો ખાર રાખી યુવાનની છરી મારી હત્યા
જૂની અદાવતમાં ભોગ લેવાયો: સાત સામે ફરિયાદ
મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં જુની અદાવતનો ખાર રાખી સાત શખ્સોએ યુવકને છરી, ધોકા, પાઈપ વડે મારમારી હત્યા નિપજાવી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી નં -13 રામજી મંદિર વાળી શેરીમાં રહેતા ભાવનાબેન નારણભાઈ કંઝારીયા (ઉ.વ.45) એ આરોપી દિલીપ મહેશભાઈ કંઝારીયા, અરવિંદભાઈ ઉફે મુન્નો ડાયાભાઈ પરમાર, કિશન પ્રભુભાઈ પરમાર, પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર, મહેશ ઉફે પાંચો ડાયાભાઈ પરમાર, જગાભાઈ ડાયાભાઈ પરમાર તથા અમિત મહેશ ઉફે પાચો પરમાર તમામ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા ગીરીશ (ઉ.વ.27) ને અગાઉ આરોપી મહેશ ઉફે પાંચો ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હોય અને ગીરીશ તેને મદદ કરતો હોવાનુ શકવહેમ રાખી ફરીયાદીના દિકરા વિરૂૂધ્ધ સને-2017 મા પોલીસ ફરીયાદ કરેલ તેમજ બે દિવસ પહેલા પણ આરોપી દિલીપ મહેશ સાથે ફરીયાદીના દિકરાને ગાળો બોલવા બાબતે મારા મારી થયેલ હોય જેનો રાગદ્રેષ રાખી ફરીયાદીના દિકરાને ગાળો બોલી આરોપીઓએ છરી, ધોકા, પાઈપ, પથ્થર વડે માર મારતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના માતાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.