સાયલાના ઈશ્ર્વરિયામાં ફિલ્મીઢબે યુવાનની હત્યા
કાર સાથે બોલેરો અથડાવી પિતરાઇ ભાઇની નજર સામે જ છરી-લોખંડના કટર વડે રહેંસી નાખ્યો
જૂની અદાવતમાં કૌટુંબિક ભાઇઓએ જ ખેલ્યો ખૂની ખેલ, છ સામે ફરિયાદ
સુરેન્દ્રનગર પંથકમા કાયદો અને વ્યવસ્થા કથડીને બેહાલ થઇ હોય તેમ ક્રાઇમનાં ગ્રાફમા ઉછાળો જોવા મળી રહયો છે. ત્યારે સાયલાનાં ઇશ્વરીયા ગામે રહેતો યુવાન પિતરાઇ ભાઇ સાથે આયા ગામથી કાર લઇને પરત ફરતો હતો. ત્યારે જુની અદાવતનો ખાર રાખી બોલેરો કારમા ધસી આવેલા શખસોએ યુવકની કારને ઠોકરે ચડાવી આંતરી હતી. અને યુવક પર કટર, છરી અને લાકડી વડે હુમલો કરી પિતરાઇ ભાઇની નજર સામે કરપીણ હત્યા કરી હતી. યુવકનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ સાયલા તાલુકાનાં ઇશ્વરીયા ગામે રહેતા રણછોડભાઇ અમરાભાઇ ધાંધડ નામનો 4ર વર્ષનો યુવાન પોતાનાં પિતરાઇ અરજણ માલાભાઇ ધાંધડ સાથે કાર લઇ આયા ગામથી ઇશ્વરીયા ગામ જતા હતા. ત્યારે સામેથી ધસી આવેલી બોલેરો કારે રણછોડ ધાંધડની કારને ઠોકરે ચડાવી કારને આંતરી હતી. બોલેરોમા ધસી આવેલા કૌટુંબીક વિજય કવા રૂદાતલા, કાળુ બચુ રૂદાતલા, જાદવ ખોળા ઉઘરેજીયા, ગોવિંદ કલા રૂદાતલા, ગોપાલ ઘેલા રૂદાતલા અને કેશુ સામત રૂદાતલાએ કટર, છરી અને લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલામા ગંભીર રીતે ઘવાયેલા રણછોડ ધાંધડનુ પિતરાઇ ભાઇની નજર સામે જ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ. હુમલાખોરો હત્યાની ઘટનાને અંજામ આપી નાસી છુટયા હતા. યુવકનાં મોતથી પરિવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. મૃતક યુવકનાં મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા અરજણભાઇ ધાંધડએ સાયલા પોલીસમા નોંધાવેલી ફરીયાદમા જણાવ્યુ હતુ કે હુમલાખોર શખસો અને મૃતક રણછોડભાઇ ઉર્ફે રસીકભાઇ ધાંધડ 3 ભાઇમા મોટા હતા. અને તેમને સંતાનમા બે પુત્ર અને બે પુત્રી છે. અગાઉ હુમલાખોર સાથે બોલાચાલી થઇ હતી. રણછોડભાઇ ઉર્ફે રસીકભાઇ ધાંધડ આયા ગામે ચાલતા પેટ્રોલ પંપનાં કામ પરથી પિતરાઇ ભાઇ અરજણભાઇ ધાંધડ સાથે કાર લઇને પરત ફરતા હતા ત્યારે હુમલાખોર શખસોએ જુની અદાવતનો ખાર રાખી રણછોડભાઇ ઉર્ફે રસીકભાઇ ધાંધડની કારને આંતરી ખુની ખેલ ખેલ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે સાયલા પોલીસે ફરીયાદનાં આધારે હત્યા કરી નાસી છુટેલા હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.