મોટા ભાઇએ ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી માટે યુવાન ઉપર જીવલેણ હુમલો, ગંભીર હાલત
કેકેવી હોલ પાસે મધરાત્રે નિદ્રાધીન યુવક ઉપર અજાણ્યા શખ્સો છરી વડે તૂટી પડ્યા
શહેરમા કાલાવડ રોડ પર આવેલા કેકેવી હોલ પાસે બ્રિજ નીચે સુતેલા યુવક સાથે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી તેનાં ભાઇને આપેલા ઉછીના રૂપીયાની ઉઘરાણી કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા કાલાવડ રોડ પર આવેલા કેકેવી હોલ પાસે આરીફ ઉર્ફે ચકકી ફૈઝલ મોહંમદ શેખ નામનો ર0 વર્ષનો યુવાન રાત્રીનાં સાડા અગ્યારેક વાગ્યાનાં અરસામા પુલ નીચે સુતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ છરી ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમીક પુછપરછમા હુમલામા ઘવાયેલા આરીફ ઉર્ફે ચકકી શેખનાં મોટા ભાઇ એ હુમલાખોર પાસેથી રૂપીયા ઉછીના લીધા હતા. જે રૂપીયાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ આરીફ ઉર્ફે ચકકી શેખ પર હુમલો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.