મોરબીમાં સાસુ અને પત્નીએ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા યુવાનનો આપઘાત
મોરબીના રંગપર ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 24 વર્ષીય યુવકે સાસુ અને પત્નીની ધમકીઓથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મધ્યપ્રદેશના મૂળ વતની વિશાલ મુન્નાભાઈ પટેલ લીનોરા વિટ્રીફાઈડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતો હતો.
યુવકે છોડેલી સુસાઈડ નોટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. નોટ પ્રમાણે, વિશાલે તેના સાસુ તારાબાઈ બલિરામ પટેલ (રહે. પાટન જિલ્લો સાગર, મધ્યપ્રદેશ)ને ઉધાર પૈસા આપ્યા હતા. જ્યારે તેણે પૈસા પરત માંગ્યા, ત્યારે સાસુએ તેને શારીરિક સંબંધના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
વધુમાં, જ્યારે વિશાલે આ અંગે તેની પત્ની કલ્પનાબેનને વાત કરી, ત્યારે તેણીએ પણ તેને ધમકી આપી કે જો તેની માતા પાસે પૈસા માંગશે તો તેને તેની ભાભી સાથે અફેરના ખોટા આરોપમાં ફસાવી દેશે. આ સતત ધમકીઓથી કંટાળીને વિશાલે તેના રૂૂમમાં ઇલેક્ટ્રિક વાયર વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.
તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા અને સ્ટાફે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હાલમાં પોલીસે આ કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.