જામનગરમાં યુવાન ઉપર બાવન જમાનતા પ્રમુખ અને પુત્રનો હુમલો
જામનગરના બાવન જમાતના પ્રમુખ અને તેના પુત્ર સામે પાડોશમાં જ રહેતા એક યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યા ને ઉપરાંત પોતાને તથા પોતાની પત્નીને પતાવી દેવાની ધમકી આપવા અંગે ની ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. આ દંપત્તિ સાથે દોઢ વર્ષ પહેલા પણ તકરાર થઈ હતી, અને મારકુટ અને ધમકી અપાઇ હતી.
જામનગરમાં ચૂનાનો ભઠ્ઠો, ઢોલીયા પીરની દરગાહ વિસ્તારમાં રહેતા અહેમદ રજાભાઈ મોહમ્મદ હુસેન નાઈ નામના 36 વર્ષના સંધિ યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ પોતાને અને પોતાની પત્ની નર્મદાબેન ને પતાવી દેવાની ધમકી આપવા અંગે તે જ વિસ્તારમાં રહેતા જામનગરના બાવન જમાતના પ્રમુખ જુમાભાઈ દોસમાદભાઈ ખફી અને તેના પુત્ર આરીફ જુમાભાઈ ખફી સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન પર આજથી દોઢ વર્ષ પહેલાં આરોપી જુમાભાઈ ખફી અને તેના પુત્ર આરીફ દ્વારા હુમલો કરાયો હતો, જે બાબતે તેની પત્ની નર્મદાબેને અગાઉ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદનું મન દુ:ખ રાખીને આરોપીઓ અવારનવાર હેરાન પરેશાન કરતા હતા.
બંને આરોપીઓને શરતી જામીન અપાયા છતાં તેનો ભંગ કરીને અવાર નવાર સામે મળતા ત્યારે ધમકી આપતા હોવાથી મહિલા અને તેના પતિ દ્વારા આ મામલે સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ કર્યો હતો, આખરે ફરીથી હુમલા અને ધમકી બાબતેનો મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો, અને પિતા પુત્ર સામે ફરી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સીટી એ. ડિવિઝનના એ.એસ.આઈ. એન. કે. ઝાલા આ મામલામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.