તને બહુ હવા આવી ગઇ છે, કોઠારિયા ગામે યુવાન પર બે પિતરાઇનો હુમલો
કોઠારીયા ગામમાં સરદાર ચોક પાસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવકને તારે બહુ હવા છે કહી બે કૌટુંબિક ભાઈઓએ લોખંડના કોશ વડે હુમલો કરી યુવાનનો પગ ભાંગી નાખ્યો હતો.આ મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
વધુ વિગતો મુજબ, કોઠારીયા ગામમાં આવેલી જીવનકરણ સોસાયટી શેરી નંબર 4 માં રહેતા અને મજૂરી કામ કરતા સુજીતભાઈ હરિભાઈ કોચરાએ જય જોગેલા અને ડુંગડુંગ ઉર્ફે રાજવીર જોગેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ સાખરા તપાસ ચલાવી રહ્યા છે.સુજીતે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.11/07 ના બપોરના આશરે દોઢેક વાગ્યાના અરસામાં હું મારા ઘરે જમીને બહાર શેરીમાં નીકળેલ હતો તે વખતે અમારી શેરીમાં રહેતા જય જોગેલા તથા તેની સાથે તેના કાકા નો દીકરો ડુગડુગ ઉર્ફે રાજવીર જોગેલ બંને આવ્યા અને મને કહેવા લાગ્યા કે આજ કાલ આ બહુ હવા કરે છે તેમ કહી ગાળો દેવા લાગ્યા હતા.
જેથી મે કહેલ કે મારો વાંક હોય તે મને કહી દે પણ મને ગાળો આપીશ નહીં તેમ કહેતા આ બંનેએ મને કહેલ કે તું આપણા ક્રિકેટના ગ્રાઉન્ડમાં આવ આપણે સમાધાન કરી અને ચા પાણી પી લઈએ તેમ વાત કરતા હું મારા મોટાભાઈ રવિભાઈ ને વાત કરી અને સાથે લઈ ક્રિકેટ ગ્રાઉન્ડના પટમાં ગયેલ અને તે વખતે આ બંને ત્યાં હાજર હતા અને તે વખતે આ જય જોગેલા એ મને કહેલ કે હમણાં તને બહુ હવા આવી ગઈ છે અને બહુ છકી ગયો છે તેમ કહી ત્યાં બાજુમાં તેનું એકટીવા પડેલ હતું તેમાંથી લોખંડ ની કોસ લઈ આવી અને મને ડાબા પગે નળામાં આડેધડ ઘા મારવા લાગ્યા હતા અને તે વખતે ડુગડુગ ઉર્ફે રાજવીર જોગેલા એ મને જોરથી પાટુ માર્યું હતું અને ઢીકા પાટુ મારવા લાગેલ અને તે વખતે મારા મોટા ભાઈ રવિભાઈ વચ્ચે પડી મને વધુ મારથી બચાવેલ અને આ બંને ત્યાંથી નીકળી ગયા હતા.