મહિલાના ઘરમાં તોડફોડ, પકડવા ગયેલ પોલીસ ઉપર પણ હુમલો
રૂખડિયા કોલોનીમાં મહિલાના ઘર ઉપર સોડા-બોટલના ઘા કરી તોડફોડ કરી, પોલીસ પકડવા જતાં ‘અમે આ વિસ્તારના ડોન છીએ’ કહી બે કોન્સ્ટેબલને માર મારી બાઈક તોડી નાખ્યું
શહેરમાં પોલીસની ઢીલી નીતિના કારણે ગુનેગારો બેફામ બન્યા છે. શહેરમાં વધી રહેલી ગુનાખોરી પાછળ ક્યાંકને ક્યાંક પોલીસની ગુનેગારો પ્રત્યેની કડક કાર્યવાહીમાં બાંધછોડ હોવાથી ગુનેગારો બેખૌફ ગુના આચરી રહ્યા છે શહેરના રૂખડિયા કોલોનીમાં ગુજસીટોકના આરોપી નામચીન મુસ્લિમ શખ્સે મહિલાના ઘરમાં તોડફોડ કર્યા બાદ તેને પકડવા ગયેલ પ્રનગર પોલીસ ઉપર નામચીન અને તેના સાગરીતોએ હુમલોક રી મધરાત્રે પોલીસને પણ ત્યાંથી ભગાડી દીધી હતી. અને બે પોલીસમેનને માર મારી તેમના મોટરસાયકલમાં તોડફોડ કરતા આ મામલે બે અલગ અલગ ગુના નોંધાયા છે.
જેમાં ગુજસીટોકના આરોપી નામચીન માજીદ ભાણુ અને તેના 12 સાગરીતો વિરુદ્ધ બે અલગ અલગ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ ટોળકીના એક શખ્સને ઝડપી લીધો છે. આ બનાવથી પ્રનગર પોલીસ સ્ટાફમાં પણ ભારે ચર્ચા જાગી છે.
મળતી વિગતો મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના અનેક બનાવો દિન પ્રતિદિન બની રહ્યા છે. સામાન્ય બાબતોમાં જાહેરમાં હત્યા તેમજ હુમલાના બનાવોતો હવે રોજીંદા બની ગયા છે. પરંતુ ગનેગારો હવે પોલીસ ઉપર પણ હુમલો કરતા અચકાતા ન હોય પોલીસ જો પોતાની જ રક્ષા ન કરી શકતી હોય તો રાજકોટની જનતાની રક્ષા શું કરશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ગત મધરાત્રે બનેલા બે બનાવમાં ગુજસીટોકના આરોપી અને તેના સાગરીતોએ પોલીસનો ભય રાખ્યાવગર બે સ્થળે મારામારી કરી હતી અને પોલીસ ઉપર હુમલો કર્યો હતો. પ્રથમ બનાવમાં શહેરના રૂખડિયાપરામાં મેલડી માના મંદિર પાસે રહેતા ફરીદાબેનના ઘરે જૂના મનદુખના કારણે ગુજસીટોકમાં સંડોવાયેલા અને હાલ જામીન પર છુટેલા માજીદ રફીક ભાણુ અને તેના સાગરીતોએ હુમલો કરી સોડા-બોટલના ઘા કર્યા હોય અને ભયનું વાતાવરણ ઉભુ કરતા આ મામલે ફરીદાબેને પોલીસ કંટ્રોલને જાણ કરતા પ્રનગર પોલીસ મથકના પીઆઈ પી.આર. ડોબરિયા તથા પીએસઆઈ બેલી તેમજ કોન્સ્ટેબલ તૌફીકભાઈ મઘરા ફરિદાબેનના ઘરે પહોંચ્યા હતા જ્યાંથી આટોળકી પોલીસ આવે તે પૂર્વે જ ભાગી ગઈ હતી.
રાત્રીના બે વાગ્યાના સુમારે પીઆઈની સુચનાથી માજીદ ભાણુને પકડવા માટે કોન્સ્ટેબલ રિયાઝ મહોમ્મદભાઈ ભીપૌત્રા અને તેમની સાથે પોલીસ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા માજીદ ભાણુને જામનગર રોડ પર સાંઢિયાપુલ પાસે સ્મલ ક્વાર્ટસના કમિટિ ચોક ખાતે પહોંચ્યા ત્યારે માજીદ રફીક ભાણુ અને તેની સાથેના 10થી 12 સાગરીતો ત્યાં ઉભા હોય બન્ને પોલીસ કોન્સ્ટેબલે તેને પકડવા ગયા ત્યારે આ ટોળકીએ ઝઘડો કર્યો હતો અને માજીદ ભાણુએ તુ પોલીસ હોય તો શું થયું હું આ વિસ્તારનો ડોન છું તેમ કહી પોલીસમેન રિયાઝભાઈ અને મયુરસિંહ જાડેજા ઉપર હુમલો કર્યો હતો. તેમજ લાકડાના ધોકા વડો માર મારી પથ્થરમારો કરી પોલીસ મેનના મોટરસાયકલમાં તોડફોડ કરી હતી. બન્ને પોલીસ જીવ બચાવવા માટે વાહન મુકીને ત્યાંથી બાગી ગયા હતાં અને આ અંગે પીઆઈને જાણ કરતા વધુ પોલીસ કાફલો સ્લમ ક્વાર્ટસ નજીક કમિટિ ચોક ખાતે દોડી આવ્યો હતો. પરંતુ તે પૂર્વે જ આ ટોળકી ફરાર થઈ ગઈ હતી. આ મામલે બે અલગ અલગ ગુના નોંધાયા હોય જેમાં ધમા નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અને અન્યની શોધખોળ શરૂ કરી છે.
ગુજસીટોકના આરોપી માજીદ ભાણુ સામે 15થી વધુ ગુના
રૂખડિયા કોલોનીમાં મહિલાના ઘરમાં તોડફોડ કરી આતંક મચાવનાર નામચીન માજીદ ભાણુએ તેને પકડવા ગયેલ પોલીસને પણ ભગાડી બે પોલીસ મેન ઉપર હુમલો કર્યો હોય આ વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભુ કરનાર કુખ્યાત માજીદભાણુ ગુજસીટોકનો આરોપી છે તેના વિરુદ્ધ મારામારી, ખંડણી સહિતના 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. અને હાલ તે ગુજસીટોકના ગુનામાં જેલમાંથી જામીન ઉપર છુટ્યો છે. મહિલા સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી તેના ઘરે જઈ સોડાબોટલના ઘા કરનાર માજીદ ભાણુ સામે વધુ બે ગુના નોંધાતા તેના જામીન રદ કરવા માટે પણ પોલીસે કાર્યવાહી કરશે.