‘મારા પતિને તારી સાથે કેમ બેસાડે છે’ કહી યુવાનને મહિલાએ છરી ઝીંકી દીધી
શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર આવેલા કોઠારીયા સોલવન્ટમાં રહેતા આધેડને પાડોશી મહિલાએ ‘મારા પતિને તારી સાથે કેમ બેસાડે છે’ તેમ કહી છરીનો ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં આવેલા ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતા અબ્દુલભાઇ હુસેનભાઇ ઠેબા (ઉ.વ.50)નામના આધેડ આજે બપોરે ઘર પાસે હતા. ત્યારે પાડોશમાં રહેતી ડિમ્પલ કમલેશભાઇ નામની મહિલાએ પીઠના ભાગે છરીના ઘા ઝીંકી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીનો પતિ કમલેશ ઇજાગ્રસ્ત અબ્દુલભાઇના પુત્ર સમીર સાથે બેસતો હોય જે ડિમ્પલને ગમતુ ન હોવાથી તેણે ‘મારા પતિને તારી સાથે કેમ બેસાડે છે’ તેમ કહી છરી વડે હુમલો કર્યાનું જાણવા મળ્યુ છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રથામિક નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.