સલાયામાં વીજચોરી કેસમાં મહિલાને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગત તારીખ 11 માર્ચ 2024 ના રોજ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન સલાયામાં પાણીના ટાંકા સામે ચેક પોસ્ટ આગળના ભાગે રહેતા હલીમાબેન અબ્દુલભાઈ ભગાડ નામના એક મહિલાના રહેણાંક મકાનમાં વીજતંત્ર દ્વારા કરવામાં આવેલા ચેકિંગમાં તેઓ પોતાના ઘરે કોઈ પણ પ્રકારનું વીજ મીટર ધરાવતા ન હોય અને ગેરકાયદેસર રીતે તેમણે પોતાનઆ મકાનની બાજુમાં આવેલા પીજીવીસીએલ કંપનીના હળવા દબાણના વીજળીના પોલ પરથી અનઅધિકૃત રીતે પોતાનો સર્વિસ વાયર જોડીને ગેરકાયદેસર રીતે પોતાના ઘરે વીજ પુરવઠો મેળવ્યો હતો.
આમ, અનધિકૃત રીતે વીજ વપરાશ કરવામાં આવ્યો હોવાનું ચેકિંગ દરમિયાન ખુલતા તેમના દ્વારા રૂૂપિયા 12,370 જેટલી રકમની વીજ ચોરી કરી હોવાનું જાહેર થયું હતું. આને અનુલક્ષીને પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા આરોપી વિરુદ્ધ વીજચોરીની ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તપાસ બાદ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરાયું હતું.
આ અંગેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ ઇલેક્ટ્રીક કોર્ટના જજ એસ.વી. વ્યાસ સમક્ષ ચાલી જતા આ કેસમાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ મહત્વના સાક્ષીઓની કરવામાં આવેલી તપાસને ધ્યાને લઈને પ્રિન્સિપલ સેશન્સ એન્ડ સ્પેશિયલ ઇલેક્ટ્રીક જજ એસ.વી. વ્યાસ દ્વારા આરોપી હલીમાબેન અબ્દુલભાઈ ભગાડને તકસીરવાન ઠેરવી, ત્રણ વર્ષની સખત કેદ તથા વીજ ચોરીની રકમનો છ ગણો રૂૂ. 74,219 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.