‘તમે દારૂ વેચો છો’ કહી મહિલાને પાડોશીએ દાંતરડું ઝીંકી દીધું
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતી મહિલાને પાડોશી શખ્સે ‘તમે દારૂ વેચો છો’ તેમ કહી દાતરડું ઝીંકી દેતાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ, પુનિતનગર પાણીના ટાંકા પાસે ઝુંપડામાં રહેતાં ગૌરીબેન ભનાભાઈ સાડમીયા (ઉ.40) નામના મહિલા આજે સવારે ઘર પાસે હતાં ત્યારે તેના પાડોશી વિશાલે ઝઘડો કરી દાતરડા વડે હુમલો કરતાં તેમની ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરતાં ંપોલીસે હોસ્પિટલે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પાડોશી વિશાલે ધસી આવી ‘તમે દારૂ વેચો છો’ તેમ કહી ઝઘડો કરી દાતરડું ઝીંકી દીધાનું જાણવા મળ્યું છે. આ અંગે માલવીયાનગર પોલીસે પાડોશી શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
જ્યારે 80 ફુટ રોડ પર આવેલા ખોડીયાપરા શેરી નં.4માં રહેતા સવરીયાદેવી સુદર્શન પ્રસાદ (ઉ.70) નામના વૃધ્ધા ગત રાત્રે પોતાના ઘરે હતાં ત્યારે શ્ર્વાસની બિમારી સબબ બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમનું મોત નિપજ્યું હતું. તેઓ મુળ બિહારના વતની છે અને હાલ રાજકોટમાં રહેતાં હતાં તેમને સંતાનમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.