રાજુલામાં કેન્સર મટાડવા તાંત્રિકવિધિના બહાને મહિલા સાથે ત્રણ વર્ષ સુધી પાડોશીનું દુષ્કર્મ
રાજુલામાં મફતપરા વિસ્તારમાં ભાઈને થયેલા કેન્સર મટાડવા માટે તાંત્રિક વિધીના બહાને 45 વર્ષિય મહિલા સાથે અવારનવાર પાડોશીએ દુષ્કર્મ આચર્યું હતું. અંતે મહિલાએ કંટાળી ફીનાઈલ ગટગટાવી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે રાજુલા પોલીસ મથકમાં દંપતિ સામે મહિલાએ ગુનો નોંધાવ્યો હતો.
રાજુલા પોલીસ મથકમાં 45 વર્ષિય મહિલાએ મફતપરામાં રહેતા જયસુખ સવજીભાઈ કલસરીયા અને પુંજાબેન જયસુખ કલસરીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પૂર્વે તેમના ભાઈને કેન્સર થયું હતું. ત્યારે જયસુખે આ કેન્સર મટાડવા તાંત્રિક વિધી કરવી પડશે. તેમ કહી મહિલા સાથે દુષ્કર્મ આચાર્યું હતું. ઉપરાંત અવારનવાર તેમના ઘરે બોલાવી દુષ્કર્મ કર્યું હતું. તેમજ લગ્ન કરવાનું કહ્યું હતું.
આ ઉપરાંત લગ્ન નહી કરે તો તેમના ભાઈ અને માતાને મારી નાખવાની ધમકી આપી હતી. ત્રણ વર્ષ સુધી અવારનવાર તેમની સાથે દુષ્કર્મ આચરતા અંતે મહિલાએ કંટાળી ફીનાઈલ ગટગટાવી લીધી હતી. આ અંગે રાજુલા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પીઆઈ આર.એલ.રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
