મહુવામાં લોનનો હપ્તો ભરવા બાબતે થયેલા ઝઘડામાં મહિલાની હત્યા
ભાવનગર જિલ્લાના મહુવાના જનતાપ્લોટ વિસ્તારમાં લોનનો હપ્તો ભરવાનું કહેતા સર્જાયેલી મારામારીનાં બનાવમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. પોલીસે હત્યાની કલમ ઉમેરી ઝડપાયેલા આરોપીઓનું ક્રાઈમ રિ-ક્ધસ્ટ્રક્શન કરી જિલ્લા જેલહવાલે કર્યાં હતા.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવાના જનતાપ્લોટ વિસ્તારમાં ગત રવિવારની રાત્રિના લોનનો હપ્તો ભરવા મુદ્દે મારા મારી સર્જાઈ હતી. જેમાં કેવલ રાજુભાઈ બારૈયા તથા તેમના માતા-પિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં કાર્તિક નરેશભાઈ મેર, હેમલ નરેશભાઈ મેર, રોહિત ગણેશભાઈ બારૈયા, રાહુલ ગણેશભાઈ બારૈયા, પ્રિન્સ ભાલિયા, વિશાલ ભાલિયા, કમલેશ મકવાણા, જનક શિયાળ અને મેહુલ બોળીયા વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડયા હતા.
બીજી તરફ મારા મારીની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા જયાબેન રાજુભાઈ બારૈયા (ઉ.વ.આશરે 50)ને સારવાર માટે પ્રથમ મહુવા અને બાદમાં ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા મારા મારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ મામલે મહુવા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ઝડપાયેલા આરોપીઓનું ક્રાઈમ રિ-ક્ધસ્ટ્રક્શન કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને ભાવનગર જિલ્લા જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.