સુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની ઠગાઇ
અંકલેશ્ર્વર, કરજણ અને વડતાલના ત્રણ શખ્સોએ અલગ-અલગ બેંક ખાતામાં મહિલા પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતી મહિલાને શેર બજારમાં રોકાણ કરાવી બેંક ખાતાના રૂૂપિયા જમા કરાવી પરત નહીં આપી રૂૂ.30.95 લાખની છેતરપિંડી અંગે ભોગ બનનારી મહિલાએ ત્રણ શખ્સો સામે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી ભારતીબેન દીપકભાઈ પરમારને વડતાલ રહેતા મહેશભાઈ રબારીએ અંકલેશ્વર અને કરજણ તાલુકામાં રહેતા બે વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો. ફરિયાદીને શેર બજારમાં રોકાણ કરશે તો વધુ રકમ અથવા સારું રિટર્ન તેમજ ટૂંકા સમયમાં ડબલ ગણા રૂૂપિયા મળશે તેવી લાલચ આપી હતી.
બાદમાં ફરિયાદી પાસે અલગ અલગ બેંક ખાતામાં રૂૂ.46.64 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા જે પૈકી રૂૂ.15.69 લાખ પરત આપી દીધા હતા. જ્યારે બાકીની રકમ અવાર નવાર ઉઘરાણી કરવા છતાં ચૂકવવામાં નહીં આવતા ભોગ બનનારી ફરિયાદીએ ત્રણ શખ્સો (1) જયદીપ ઉર્ફે કાંતિલાલ પાઠક ઉર્ફે ગુરુજી રાજેન્દ્રપ્રસાદ પંડયા, રહે. અંકલેશ્વર (2) હંસરાજભાઈ, રહે. નાની સાયર, તા.કરજણ અને (3) મહેશભાઈ રબારી, રહે.વડતાલવાળા સામે રૂૂ.30.95 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ત્યારે બી-ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો વિરૂૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
