એક લાખના વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કરણી પાણી પીવાના બહાને રેકી કરી ગઇ’તી
શહેરનાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે શીવ આસ્થા રેસીડેન્સી શેરી નં ર મા રહેતા વેપારી મહેશભાઇ પ્રવિણભાઇ અકબરીની યુનિવર્સીટી રોડ પર જલારામ સોસાયટી શેરી નં ર મા આવેલી વ્રજ ઇલેકટ્રો ટ્રેડ નામની દુકાનનાં ફળીયામાથી રૂ. 1 લાખનો કેબલ વાયર ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી હતી. આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમા પીએસઆઇ એસ. એલ. ગોહીલ, અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા, રવિભાઇ ગઢવી, રોહીતદાન ગઢવી, મસરીભાઇ ભેટારીયા અને રઘુવિરસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે સીસીટીવી ફુટેજ ચકાસી ચોરી કરનાર મહીલાની ઓળખ મેળવી હતી અને બાતમીને આધારે ચુનારાવાડ ચોક કુબલીયાપરા શેરી નં પ મા રહેતી લક્ષ્મીબેન વિજયભાઇ સોલંકી (ઉ.વ. રપ) ની ધરપકડ કરી તેમની પાસેથી કોપર વાયર 13 કિલોનો રૂ. 11પ00 નો જપ્ત કરવામા આવ્યો હતો. આ ઘટનામા પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ હતુ કે લક્ષ્મી અગાઉ 4 ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકી છે. તેમજ ચોરીની ઘટના બની એ દિવસે લક્ષ્મી ફરીયાદીનાં ઘરે પાણી પીવાનાં બહાને આવી હતી. આ સમયે તે ફળીયામા રાખેલ કોપર વાયરની રેકી કરી ગઇ હતી અને ત્યારબાદ રવીવાર હોય બપોરે દુકાન બંધ હતી ત્યારે ફળીયામા રાખેલો કોપર વાયર ચોરી ગઇ હતી. વાયરની ચોરી કરીને લક્ષ્મી એઇમ્સ જવાના રસ્તે નીકળી ગઇ હતી અને ત્યા કેબલ વાયરને સળગાવી તેમાથી નીકળતા કોપર ભેગુ કરી વેચવા નીકળે તે પહેલા જ તેને ગાંધીગ્રામ પોલીસ મથકનાં સ્ટાફે ઝડપી લીધી હતી.
---------