જસદણમાં પત્નીના પૂર્વ પ્રેમીનું પતિ સહિત બે શખ્સો દ્વારા અપહરણ
જસદણના ખાનપર ગામે રહેતા રત્નકલાકારને તેની પૂર્વ પ્રેમીકાના પતિ સહિતના બે શખ્સોએ અપહરણ કરીને માર મારતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પત્ની ગુમ થતાં તે પૂર્વ પ્રેમી પાસે હોવાની શંકાએ રત્નકલાકારનો બે શખ્સોએ બુલેટમાં અપહરણ કરી ઢોરમાર માર્યો હતો.
મળતી વિગતો મુજબ બાબરાના ખાનપર ગામના વતની અને હાલ જસદણ રહેતા રત્નકલાકાર દિનેશ ચોથાભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં વિછિયાના ભડલી ગામના મનીષ બારૈયા અને તેના સાથેના અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ બાબરાના ખાનપર ગામની પરણીતા સાથે કે જે મનીષની પત્ની હોય દિનેશને અગાઉ તેની સાથે પ્રેમ સબંધ હતો. થોડા દિવસો પૂર્વે મનીષની પત્ની ગુમ થઈ હોય જે દિનેશ પાસે હોવાની શંકાએ તે કારખાને હતો ત્યારે મનીષ અને તેની સાથેનો એક શખ્સ દિનેશ પાસે આવ્યા હતાં અને પત્ની બાબતે પુછપરછ કરી હતી. જેથી દિનેશે મનીષને તેની પત્ની પોતાના ઘરે નહીં હોવાનું જણાવતા ઘરે તપાસ માટે ગયા હતાં. જ્યાં મનીષની પત્ની હાજર નહીં મળતા ઉશ્કેરાયેલા મનીષ અને તેની સાથેના શખ્સે દિનેશનું બુલેટ ઉપર અપહરણ કરીને જસદણ પાસે ખોડિયાર માતાજીના મંદિર નજીક લઈ જઈ પ્લાસ્ટિકની નળી અને લાકડાના ધોકા વડે બેફામ માર માર્યો હતો. તેમજ મનીષે ભડલી ગામે તેની વાડીએ દિનેશને લઈ જઈ ત્યાં પણ ફટકાર્યો હતો. અને ત્યાર બાદ તેને છોડી મુક્યો હતો. આ મામલે દિનેશે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મનીષ ઉર્ફે મુન્નો બારૈયા અને તેની સાથેના અજાણ્યા શખ્સ સામે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.