For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાજપોર જેલમાં બંધ કેદીની પત્નીને 15 હજારની ખંડણી માંગતો કોલ આપ્યો

04:08 PM Nov 17, 2025 IST | admin
લાજપોર જેલમાં બંધ કેદીની પત્નીને 15 હજારની ખંડણી માંગતો કોલ આપ્યો

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. જેલમાં સજા કાપી રહેલા એક આરોપીની પત્ની પાસેથી જેલરના નામે 15,000ની ખંડણી માગવામાં આવતાં સનસનાટી મચી ગઈ છે. આ સમગ્ર ઘટનાનું એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે, જેમાં લાજપોર જેલના જેલર દ્વારા જ રૂૂપિયા માગવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, આ ઘટના બાદ ખુદ જેલર દ્વારા જ અજાણ્યા શખ્સો વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતાં મામલો વધુ ગરમાયો છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, જેલમાં કોઈ ગુનાના કેસમાં સજા ભોગવી રહેલા એક આરોપીના પત્નીને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને લાજપોર જેલના જેલર તરીકે ઓળખાવ્યો હતો અને આરોપીને જેલમાં ‘સુવિધા’ પૂરી પાડવાના નામે ₹15,000ની માગણી કરી હતી. ખંડણી આપવાથી જેલમાં તેના પતિને વિશેષ સગવડો મળી રહેશે તેવી લાલચ પણ આપવામાં આવી હતી. ખંડણીની રકમ ચૂકવવા માટે દબાણ કરવામાં આવતા આરોપીની પત્નીએ આ સમગ્ર વાતચીતનું કોલ રેકોર્ડિંગ કરી લીધું હતું.

આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ જેલ પ્રશાસન અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વાયરલ થયેલા ઓડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે જેલરના નામે આર્થિક માગણી કરવામાં આવી રહી છે, જેણે જેલની સુરક્ષા અને કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જોકે, આ મામલે લાજપોર જેલના વહીવટી જેલરે તાત્કાલિક પગલાં લીધા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ ખંડણીની માગણી કરનાર વ્યક્તિ તેમની ઓળખનો દુરુપયોગ કરી રહ્યો છે અને જેલની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેલરે પોતે જ સચિન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઠગ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે કોઈ ગઠિયાએ જેલરના નામે ધમકી આપી ખંડણી માગી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી, વાયરલ કોલ રેકોર્ડિંગના આધારે ફોન કરનાર વ્યક્તિને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement